કચ્છના આઇજી સહિત ગુજરાતના 19 પોલીસ અફસર-જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક

કચ્છના આઇજી સહિત ગુજરાતના 19   પોલીસ અફસર-જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક
અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 19 પોલીસ અધિકારી જવાનોને મેડલ  એનાયત થનાર છે. જે અંતર્ગત બે જવાનોને પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલ તો 17 જવાનોને પોલીસ મેડલ એનાયત થશે. પ્રેસિડેન્સિયલ પોલીસ મેડલમાં બિંદેશ શાહ પીઆઈ, અમદાવાદ અને કે.જે. ચાંદના વાયરલેસ પીઆઈ કમિશનર ઓફિસ અમદાવાદનો સમાવેશ થાય છે. આજે જાહેર થયેલા આ એવોર્ડમાં કચ્છ સહિત સરહદી જિલ્લાના આઈ.જી. જે. આર. મોથાલિયાને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો છે. વર્ષ 1996માં પોલીસદળમાં નાયબ પોલીસ અધીક્ષક તરીકે જોડાયેલા અને 2001માં આઈ.પી.એસ. તરીકે નોમિનેટ થયેલા મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની જે. આર. મોથાલિયાએ પૂર્વ અને પશ્ચિમ કચ્છ ઉપરાંત પાટણ અને બનાસકાંઠા જિલ્લાને સાંકળતી સરહદ રેન્જના 21મા વડા તરીકેનો તેમનો કાર્યભાર ઓગસ્ટ માસમાં સંભાળી હાલ અહીં કાર્યરત છે. શ્રી મોથાલિયાએ પોતાના સેવાકાળ દરમ્યાન બનાસકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, મહેસાણા, અમદાવાદ શહેર વગેરેમાં ફરજ બજાવી છે. તેમાં ખાસ કરીને પંચમહાલ અને મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોમ્યુનલ તથા રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં ખૂબ સારી કામગીરી કરી અને મુખ્ય ઉલ્લેખનીય કામગીરી જેવી કે, 1992માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઉપયોગ થનાર હથિયારો પોરબંદરના ગોસાબારાથી પકડેલા અને આ મમુમીંયા-પંજુમીંયા કેસના તપાસ  અધિકારી તરીકે કામગીરી કરી, લેન્ડિંગ થયેલા હથિયાર રિકવર કરવામાં આવેલા તેમજ ગોધરા હુલ્લડ કેસો સંદર્ભે સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળનાં ખાસ તપાસ દળમાં (સીટ) ઈન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે મહત્ત્વના કેસમાં કામગીરી કરી હતી. જ્યારે પ્રશંસનીય સેવા મેડલ એનાયત થનારાઓમાં આઈજી ડૉ. અર્ચના શિવહરે, કચ્છ-પાટણ-બનાસકાંઠા રેન્જના આઈજી જે. આર. મોથાલિયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસીપી આર.આર. સરવૈયા, ડીવાયએસપી ભરત માળી, આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બારડ, ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, પીઆઈ હિતેન્દ્રાસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ, એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રાસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હિમંતાસિંગ બામણીયા, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રાસિંહ કોસાડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પમ્પાણીયાનો સમાવેશ થાય છે. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડસ, બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના 42 જવાનોને મુખ્યમંત્રી ચંદ્રક આપવામાં આવશે જેમાં 30 હોમગાર્ડઝ, 5 બોર્ડર વિંગ હોમગાર્ડઝ, 2 નાગરિક સંરક્ષણ અને 5 ગ્રામરક્ષક દળના જવાનોનો સમાવેશ થાય છે. જેમાં હોમગાર્ડઝના 30 જવાનોમાંથી સૌરાષ્ટ્રના 12, બોર્ડરાવિંગ હોમગાર્ડઝમાં કચ્છના 2 જ્યારે ગ્રામરશ્રક દળમાં સૌરાષ્ટ્રના 2 જવાનોનો સમાવેશ થાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer