અંતે મુંદરા પી.આઇ. આરોપી : જીઆરડી જવાન સાથે ધરપકડ
મુંદરા, તા. 25 : સમાઘોઘાના ચારણ યુવક અરજણ ખેરાજના કસ્ટોડિયન ડેથના મામલે ફરજમોકૂફ કરાયેલા પી.આઇ. જે.એન. પઢિયારની પ્રથમ બદલી, ત્યારબાદ ફરજમોકૂફ અને હવે ખૂનના ગુનામાં સંડોવણીના અનુસંધાને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ડીવાય.એસ.પી. જે.એન. પંચાલે માહિતી આપતાં જણાવ્યું કે, આ સિવાય ગ્રામરક્ષક દળના વિરલ જિતેન્દ્ર જોષી (મહારાજ) (રહે. લૂણી)ની પણ આજ ગુનામાં તપાસના અંતે સંડોવણી સ્પષ્ટ થતાં તેમની પણ આઇ.પી.સી.ની કલમ 302ના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આમ, પી.આઇ. કક્ષાના પોલીસ અધિકારીની ખૂનના ગુનામાં ધરપકડ થતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. સમગ્ર ચારણ ગઢવી સમાજમાં જે બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને રોષ ફેલાયો છે તે ગુનાની તપાસ કરી રહેલા શ્રી પંચાલે જણાવ્યું હતું કે, બનાવ પછી લાપતા બનેલા ત્રણ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, જયદેવસિંહ અજિતસિંહ ઝાલા અને અશોક લીલાધરભાઇ કન્નડના મોબાઇલ સ્વિચ ઓફ આવે છે, તેમ તેને ઝડપવા ચાર ટીમ બનાવવામાં આવી છે. તેમને પકડી પાડવાનું કામ કપરું છે. મળતી માહિતી મુજબ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવેલા બે ચારણ યુવક પૈકી એકની તબિયત નાજુક હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. તંત્ર માટે પડકારરૂપ ઘટનામાં ટૂંક સમયમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવશે તેવું મનાય છે. અત્રે નોંધવું જરૂરી છે કે, ચોરીની શંકાના આધારે રેકર્ડ ઉપર લીધા વગર પોલીસ સ્ટેશનમાં ઢોરમાર મારતાં અરજણ ગઢવીનું મૃત્યુ થતાં ચારણ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને જવાબદારો સામે ખૂનનો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો તેની લાશને સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે એ પહેલાં પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના વડા સૌરભસિંઘ મુંદરા આવી ગયા હતા, નિષ્પક્ષ તપાસની ખાતરી આપી હતી.