ગાંધીધામ ડી.આર.આઈ.ના આસિ. ડાયરેક્ટર તથા બોર્ડર વિંગના પી.આઈ.ને રાષ્ટ્રપતિ એવોર્ડ

ગાંધીધામ ડી.આર.આઈ.ના આસિ. ડાયરેક્ટર તથા બોર્ડર વિંગના પી.આઈ.ને રાષ્ટ્રપતિ એવોર્ડ
ભુજ-ગાંધીધામ, તા. 25 : ભારતના ગણતંત્રદિન નિમિત્તે દેશસેવામાં ઉલ્લેખનીય યોગદાન આપનારા સરકારી-બિનસરકારી લોકોને વિશેષ મેડલ-પારિતોષિક અપાય છે. દેશના નાણાં મંત્રાલયે આજે જાહેર કરેલા જાહેરનામાં પ્રમાણે ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) ગાંધીધામના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની સરકારની સેવામાં વિશેષ પ્રદાન અંગે એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. ઉપરાંત બોર્ડર વિંગની `બી' કંપનીના નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર અરવિંદ ગણપતભાઈ બેંકરને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયો છે. અહીંની ડી.આર.આઈ. કચેરીમાં લાંબા સમયથી કાર્યરત આસિ. ડાયરેક્ટર વિજયસિંહ પ્રતાપસિંહ બીહોલેને આ એવોર્ડ જાહેર થતાં સંકુલમાં તેને આવકાર અપાયો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના રેવેન્યૂ વિભાગે આજે એવોર્ડ વિજેતાઓના નામોની ગેઝેટ પ્રસિદ્ધિ કરી હતી. જિંદગીને જોખમમાં મૂકીને વિશેષ સેવા આપનારા ડી.આર.આઈ.ના બે અધિકારીઓને જ્યારે સરકારી સેવામાં ઉલ્લેખનીય પ્રદાન કરનારા દેશના કુલ 22 ડી.આર.આઈ. તથા જી.એસ.ટી. વિભાગના અધિકારીઓને આ પારિતોષિક 26મી જાન્યુઆરી- પ્રજાસત્તાક દિન પ્રસંગે જાહેર કરાયા છે. 22 અધિકારીમાં ગુજરાતના એકમાત્ર ગાંધીધામના અધિકારીનો સમાવેશ થાય છે. કચ્છમાં જ જખૌથી પોતાની કારકિર્દી શરૂ કરનારા શ્રી બીહોલેએઁ તે પછી ભુજ ડી.આર.આઈ.માં અને ત્યારબાદ જામનગર-ભાવનગર કસ્ટમમાં પણ પોતાની સેવા આપી હતી. તાજેતરમાં જ કચ્છ અને જામનગર ડી.આર.આઈ.માં ફરજ બજાવીને થોડા સમય પહેલાં જખૌ પાસેથી દેશના સૌથી મોટા 220 કિલો હેરોઈન પકડાવાના કિસ્સામાં તેમની મહત્ત્વની ભૂમિકાને આ એવોર્ડ અર્થે ધ્યાનમાં લેવામાં આવી હતી. બે બટાલિયન બોર્ડર વિંગ ભુજ બી કંપની કે જે હાલ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ખાતે તૈનાત છે તેના ઈન્ચાર્જ કંપની કમાન્ડર (પી.આઈ.) અરવિંદ ગણપતભાઈ બેંકરને રાષ્ટ્રપતિ એવોર્ડ જાહેર કરાયો છે. શ્રી બેંકરે ગુજરાતના તમામ મોટા નગરોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ બજાવી છે. ચૂંટણી વખતની તેમની સેવાઓ વિશિષ્ટ રહી છે. 2009માં તેમને મુખ્યમંત્રીશ્રી મેડલથી પણ નવાજવામાં આવ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer