જ્યારે જમાઇ સસરા માટે અને પુત્ર-પુત્રી પોતાના પિતાલાયક પાત્ર શોધવા નીકળ્યા

જ્યારે જમાઇ સસરા માટે અને પુત્ર-પુત્રી પોતાના પિતાલાયક પાત્ર શોધવા નીકળ્યા
ભુજ, તા. 25 : ઢળતી ઉંમરે એકલવાયું જીવન જીવતા વડીલોનાં જીવનમાં હૂંફ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદનાં અનુબંધ ફાઉન્ડેશન દ્વારા કુકમા ખાતે દાદા-દાદી માટે જીવનસાથી પરિચય સંમેલન યોજાયું હતું જેમાં યોગ્ય સાથી પસંદગી કરાવવા માટે જમાઇ સસરાને તો પુત્ર-પુત્રી પિતા-માતાને લઇ આવતાં એક અનોખો માહોલ સર્જાયો હતો. આખા દિવસના આ સંમેલનમાં 90 વડીલ પુરુષ અને 40 બહેનો જોડાયાં હતાં અને તેમના માટે યોગ્ય સાથી મેળવવા પરીચય કેળવ્યો હતો. 6 જોડલાં પરીણયને બંધને બંધાય તેવી શકયતા પણ સર્જાઇ છે. અનુબંધ ફાઉન્ડેશનનાં આયોજનમાં અને શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમાના સૌજન્યથી યોજાયેલા આ નવતર પ્રકારના 62મા સંમેલનના ઉદ્દઘાટન સમારંભમાં પ. કચ્છ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ અને પી.આઇ. શ્રી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનના આયોજનને શુભેચ્છા પાઠવી હતી. શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઇ સોલંકી (બેનામ) અને મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ સોલંકીએ સંસ્થાનો પરિચય અને ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. માનવ અધિકાર પંચના પ્રમુખ મનુભાઇ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઇ પટેલે સૌને આવકાર્યા હતા અને આ સંમેલનના હેતુ વિશે સ્પષ્ટતા કરી હતી. તેમણે અત્યાર સુધી યોજાયેલા 61 સંમેલનોની વિગતો પણ આપી હતી. સંસ્થાના ભારતીબેન અને ખીમજીભાઇ સહિતની ટીમે વ્યવસ્થા સંભાળી હતી. આ સંમેલનમાં મુંબઇ તેમજ ગુજરાતભરમાંથી વડીલો આવ્યા હતા અને એકબીજાનો પરિચય કેળવ્યો હતો. આખા દિવસના કાર્યક્રમ બાદ ભાગ લેનારા વડીલોએ શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટની પ્રવૃત્તિના પ્રત્યક્ષ દર્શન કર્યાં હતાં અને ગાય સંવર્ધન અને સજીવ ખેતીને લગતી પ્રવૃત્તિની સમજ મેળવી હતી. અગાઉના સંમેલનમાં ભાગ લઇ પોતાનો જીવનસાથી શોધનાર બે જોડલાં આ સંમેલનમાં આવ્યાં હતાં અને તેઓએ પોતાનો પરિચય અને અનુભવ વ્યક્ત કર્યો હતો. એકાદ માસ પહેલાં લગ્ન કરનાર અંકલેશ્વરના 68 વર્ષીય હરેશભાઇ પટેલ અને મુંબઇના 65 વરસના જ્યોત્સનાબેન વોરાએ એકબીજાની હૂંફ મળતાં જીવન જીવવા જેવું લાગતું હોવાની વાત કરી હતી. એકાદ સપ્તાહ પહેલાં જ લગ્નના બંધને બંધાયેલું કપલ વિશિષ્ટ રહ્યું હતું. બાવન વરસનાં મમતાબેન ભટ્ટે તેમનાથી 16 વરસ નાના ભાવિન રાવલ પર પસંદગી ઉતારી હતી અને વિચારો મળતા હોવાથી ઉંમર બાધ્ય નથી બનતી તેવા પોતાના અંગત વિચારો વ્યક્ત કરી જીવનસાથી મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer