મક્કમ મનોબળ થકી નવજીવનની શરૂઆત

ભયાવહ ભૂકંપથી ભચાઉ નગર અને તાલુકાનાં ગામડાં ધ્વંસ થયા, અનેક લોકો મૃત્યુ પામ્યા. ઉપરાંત કેટલાકે કાયમી ખોડખાંપણ, કોઇકે હાથ-પગ ગુમાવ્યા... સ્વજનો ગયા... ભલે વિનાશ પછી નવસર્જન અનેકગણું થયું છે, કેટલાક પરિવારો સમૃદ્ધ થયા પરંતુ જ્યાં પારિવારિક ખોટ આવી તેમના માટે દર વરસે એક કડવી યાદ તાજી થાય છે. આમ છતાં `આશા અમર છે' અને `શ્રદ્ધા કેરો દીપક મારો કદીય ન ઓલવાજો' એવી ઉક્તિને સાર્થક કરતાં એ દુ:સ્વપ્નમાંથી નીકળી મજબૂત મનોબળ અને કુદરત પરના ભરોસા થકી અનેક ઉદાહરણ આજે પણ દેખાઇ રહ્યાં છે. ગાભા ગણેશા વાઘેલા નિવૃત્ત કોટવાળ છે. તેમની પાંચ પૈકી બે દીકરી પર મકાન પડયું. આ બેય દીકરીના મણકા ભાંગી ગયા. પોતાને પગમાં ફ્રેકચર. કુંવરબેન અને દેવીબેન આજે આ બંને બહેનો હરતી-ફરતી થઇ ગઇ છે. કુંવરે તો બી.કોમ. (આદિપુર) છોડી ભચાઉમાં આર્ટસ પ્રવાહ લઇ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. 2006માં બી.એડ. પૂરું થતાં પ્રાથમિક શાળામાં સરકારી નોકરી મળી. મનફરા-જૂનાવાડા બાદ આજે ભચાઉની શાળામાં નોકરી ચાલુ છે. આ દીકરીઓની - તેમના પિતાની વાત સાંભળી હૈયું હચમચી જાય. સાથે તેમની માનસિક તાકાત, ઊભા થવાનું મનોબળ સલામ આપવા જેવા છે. કુંવરે દોઢ વર્ષ બેડ રેસ્ટ કર્યો. કસરત ક્યારેય ન છોડી. એફ.વાય. બી.એ.ની પરીક્ષા સૂતાં-સૂતાં આપી. તેની બહેન પેપર લખતી ગઇ. ધીરે-ધીરે ચમત્કાર થતો ગયો. પગ માંડતી થઇ. ખાટલામાં પણ વાંચન અને કસરત તો ક્યારેય ન ભૂલી. આખરે બી.એ.માં 62 ટકા અને બી.એડ. 75 ટકા સાથે પાસ કરી અને સરકારી નોકરી મેળવી. ગાભાભાઇ કહે છે, આણંદ-કરમસદ હોસ્પિટલમાં ત્રણ માસની સારવાર લીધી. ડોક્ટરે કહ્યું, આ બે દીકરી ઊભી નહીં થાય. છાતીનાં પાટિયાં બેસી ગયાં. પગનું ભાંગેલું હાડકુંય ભુલાઇ ગયું. મુંબઇની હોસ્પિટલમાં ગયા, ત્યાં એક શબ્દ મળ્યો નસીબ... સલાહ આપી કસરત કરાવતા રહો... આખરે આ વાણી દીકરીઓએ સાર્થક કરી. 121 જેટલા પેરાપ્લેજિક દર્દી હતા. 77 હયાત હતા, તેમાં પાંચ હાલતા થયા, એમાં અમે બે બહેનો. પેન્ટર મહેશ નરભેરામ સાઇનબોર્ડનું 40 વર્ષથી કામ કરે છે. કુદરત પણ કેવી કસોટી કરે છે. તેમના જમણા હાથના બે હાડકાં ભાંગી ગયાં. ચામડી લબડતી હતી. મલબામાંથી સાળાએ કાઢ્યા. વિલાયતી નળિયાના ટેકે શાલ બાંધી ભુજ ગયા. પ્રાથમિક સારવાર બાદ સાંજે બસમાં 25 દર્દીને લઇને બસ સવારે 11 વાગ્યે અમદાવાદથી કરમસદની હોસ્પિટલ પહોંચ્યા. આર.એસ.એસ. સ્વયંસેવકો ખડેપગે રહ્યા... સળિયા-પ્લાસ્ટિક સર્જરી, બોડીગ્રાફની ત્રણેક વર્ષની સારવાર બાદ પાંચ વર્ષ બાદ મહેશભાઇએ પીછીં ઉપાડી. આજે વોંધમાં શાઇનબોર્ડની તૂટેલા- વળેલા પંજા-હાથથી સ્પષ્ટ પેઈન્ટિંગ કરે છે. ભૂતકાળ વાગોળતાં મહેશભાઇ આંખો ભીની કરી કહે છે... અમારો પણ જાણે મકાન ભેગો ભુક્કો થયો... ત્રણ મરણ માતા-પિતા અને દીકરી. બે ઇજાગ્રસ્ત - હું અને મારી દીકરી. સામત્રાથી મારો સાળો આવ્યો, સારવાર કરાવવા મને-દીકરીને ભુજથી કરમસદ લઇ ગયો. સસરા આવ્યા, જે મારી પત્ની અને દીકરીને લઇ ગયા. એક મૃતક દીકરીને પણ અંતિમ ક્રિયા માટે લઇ ગયા. સપ્તાહ સુધી મા-બાપને શોધવા અંજારથી બહેન આવી અને આખરે કાટમાળમાંથી માતા-પિતા મળ્યા. અમારા મકાનની અંદર જ મલાજો સાચવી અગ્નિદાહ આપી બહેન પરત અંજાર ગઇ... સારવાર, સંઘર્ષ-સહયોગ વિશે મહેશભાઇ કહે છે. એક માત્ર રોજગારીનું સાધન પેઈન્ટિંગ કામ, પણ આ હાથ જ ભાંગી ગયો.. ત્રણેક વર્ષની અનેક સારવાર બાદ જેમતેમ કદરૂપો થઇ ગયેલો પંજો, હાથ સંધાયા. 2005માં પીંછી હાથમાં લીધી. પ્રેક્ટિસ કરતો ગયો - કરતો ગયો.. કલા પાછી આવી.. આજે પણ આ હાથ માત્ર બ્રશ જ પકડી શકે છે. બટન બંધ કરવા કે પાણીનો ગ્લાસ પકડવા સક્ષમ નથી. અલબત્ત શાઇન બોર્ડ એવાં જ આકર્ષક આ હાથ બનાવે છે. નવી ભચાઉમાં સામાન્ય ખેતી અને રિક્ષા ચલાવવાનું કામ કરતા ખેડૂત પરિવારની આ દીકરી કિંજલ શામજીભાઇ પટેલનો હાથ ભૂકંપમાં ઇજા થતાં કપાવવો પડયો. ત્રણ બેન-એક ભાઇ. બીજા નંબરની આ દીકરી ભૂકંપ વખતે ત્રણ-ચાર વર્ષની હતી. આજે રસોઇકામ, લોટ બાંધવો, રોટલી વણવી, વેસ્ટમાંથી બેસ્ટની કામગીરી - ફલાવર પેપર કટિંગ કરી અવનવી ડિઝાઇન બનાવી લે છે. મોતીવાળાં તોરણ પણ આકર્ષક બનાવી શકે છે. આગામી 16મી ફેબ્રુઆરી વસંતપંચમીનાં બે બેનનાં લગ્ન એકસાથે થશે. કિંજલ કહે છે માતા પુરીબેન, બાપા શામજીભાઇની બચપણની યાદો... સારવાર... સેવા કયારેય ભુલાશે નહીં..