ભુજમાં દેશદાઝની ભાવના સાથે દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો

ભુજ, તા. 25 : બાળકોમાં દેશદાઝની ભાવના જાગે, કચ્છમાં કોમી એકતા જળવાય તેવા ઉદેશ સાથે અહીંના રોયલ ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દાતાના સહયોગે બાળકોને પુસ્તકો, રાષ્ટ્રધ્વજ આપી અલ્પાહાર કરાવાયો હતો. શહેરના મંગલમ ચાર રસ્તે સુધરાઇ સંચાલિત બગીચામાં નાના બાળકોના કિલકિલાટ વચ્ચે તિરંગાની આન, બાન અને શાન સાથે `આઝાદ ભારત અમર રહો'ના નારા સાથે વાતાવરણ ગાજી ઊઠયું હતું. આ બાળકોને દાતા મીરા (કવિતા) સચદે પરિવારના સહયોગે દેશભક્તિના પુસ્તકો, રાષ્ટ્રધ્વજ અપાયા હતા. તો તેમને અલ્પાહાર પણ કરાવાયો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ અનવર નોડેએ બાળકોમાં દેશપ્રેમ જગાવવા સાથે કચ્છની કોમી એકતા જળવાઇ રહે તેવા પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન શંકરભાઇ સચદે, શંભુભાઇ જોશી, કનૈયાલાલ અબોટી, જયેન્દુ શુક્લ, ગોદાવરીબેન ઠક્કર, દર્શનાબેન બારોટ, હેતલબેનસિંગ, ધર્મેન્દ્ર ડુડિયા, સતાર થૈમ, મીલીબેન પિત્રોડા, જયશ્રીબેન ગોસ્વામી, અલીભા જત ઉપસ્થિત રહ્યા હતા. મૌશીનશા સૈયદ, મહેન્દ્ર બાયડ, અકીલ નોડે, કાસમ સમેજા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. આભારવિધિ દર્શક અંતાણીએ કરી હતી.