કેદીઓ પાસે સવા લાખની લાંચની માંગ બદલ ગળપાદર જેલના બે અધિકારી પકડાયા
ગાંધીધામ, તા. 25 : રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ પૂર્વ કચ્છ ગળપાદર જિલ્લા જેલના બે અધિકારીઓએ કેદીઓને સુવિધા આપવાની અવેજીમાં રૂપિયાની માગણી કરતાં અને રૂા. સવા લાખ લાંચ લેતાં અમદાવાદ એ.સી.બી.ના હાથે ઝડપાઈ જતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં પૂર્વ ધારાસભ્ય એવા જયંતી ભાનુશાળી હત્યાકાંડના આરોપીઓને રાખવામાં આવ્યા છે. આ આરોપીઓ પૈકી બે આરોપીઓને સુવિધાઓ પૂરી પાડવા અને હેરાન, પરેશાન ન કરવા લાંચની રકમની માગણી કરવામાં આવી હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જયંતી ભાનુશાળી હત્યાકાંડને જોનાર ગાંધીધામના વેપારીના ઘરની રેકીના પ્રકરણમાં આવી ગયેલા તથા આ હત્યાકાંડમાં મુખ્ય માથા મનાતા એક આરોપીના વેવાઈ અને શાર્પશૂટરના મહારાષ્ટ્રથી આવેલા માણસે આ પ્રકરણમાં ભાગ ભજવ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. અહીં જેલમાં રહેલા કેદીઓને સુવિધા પૂરી પાડવા અને તેમને હેરાન, પરેશાન ન કરવાની અવેજીમાં લાંચની રકમની માગણી કરાઈ હતી. જે અંગે ઉપરી રાહે રજૂઆતો, ફરિયાદ કરાયા બાદ અમદાવાદ લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોની એક ટીમ આજે સાંજે અહીં ધસી આવી હતી. આ રકમ સ્વીકારની જગ્યા જેલમાં જ નક્કી કરાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. રૂા. સવા લાખની આ લાંચની રકમ સ્વીકારવા જતાં જેલના જેલર અને સબ જેલરને અમદાવાદની એ.સી.બી.ની ટીમે ઝડપી લીધા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ ટીમે મોડી રાત સુધી પંચનામા, ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાથી આ અંગે વધું કાંઈ બહાર આવી શક્યું નહોતું. સમગ્ર રાજ્યમાં ચકચારી એવા જયંતી ભાનુશાળી હત્યાકાંડના આરોપીઓ પાસેથી લાંચના કેસમાં જેલર, સબ જેલર પકડાયાની વાત પ્રકાશમાં આવતાં સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર પ્રસરી હતી.