સમાઘોઘા કસ્ટોડિયલ ડેથ મામલે અસરગ્રસ્તોને વળતરની માગણી

સમાઘોઘા કસ્ટોડિયલ ડેથ મામલે  અસરગ્રસ્તોને વળતરની માગણી
ગાંધીધામ,તા.25:મુંદરા પોલીસ કસ્ટડીમાં ગઢવી યુવાનને ઢોરમાર મારી તેની હત્યા તથા અન્ય બે યુવાનોને મરવા માટે મૂકી દેવાયાની ક્રૂર ઘટનામા આરોપીઓને ત્વરિત પકડી પાડવા અને તેમના પરિવારોને વળતર આપવા માંગ કરવામાં આવી હતી. મુંદરાના સમાઘોઘાના ગઢવી યુવાનને ઉપાડી જઈ તેને મુંદરા પોલીસના કર્મચારીઓ દ્વારા ઢોરમાર મારી તેને પતાવી દેવામાં આવ્યો હતો તેમજ અન્ય બે યુવાનોને મરવા માટે મૂકી દેવામાં આવ્યા હતા. આ અમાનવીય ઘટનાને અહીંના કાછેલા ગઢવી સમાજ, ગઢવી(ચારણ) યુવક મંડળ ટ્રસ્ટ અને અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા), સ્વ.નારાણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ એ વખોડી કાઢી હતી અને નિંદા કરી હતી. આ બનાવને ગંભીરતાથી લેવામાં આવે અને હેવાનિયત ભર્યુ આવું કૃત્ય કરનારા તથા નાસી ગયેલા પોલીસ કર્મચારીઓને ત્વરિત પકડી પાડવામાં આવે. આ પ્રકરણના મૂળ સુધી પહોંચી અને યુવાનના પરિવારજનોને ન્યાય આપવામાં આવે જેથી આવી અમાનવીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ હતભાગી ગઢવી યુવાન સામાન્ય પરિવારમાંથી છે તેના જવાથી પરિવાર ઉપર આફત આવી પડી છે. માટે સરકાર આ યુવાનના પરિવારજનોને વળતર અપાય અને જે યુવાનોને ઈજાઓ પહોંચી છે તેમનો નિ:શુલ્ક ઈલાજ તથા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ મામલતદારને પાઠવાયેલા પત્રમાં કરાઈ છે. આ વેળાએ ગઢવી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer