વોંધ સીમમાંથી 13.24 લાખના વાયર સેરવાયા
ગાંધીધામ, તા. 25 : ભચાઉ તાલુકાના વોંધ ગામની સીમમાં ખાનગી કંપનીના વાયર અને સાધનો એમ કુલ્લ રૂા. 13,24,100ના મુદ્દામાલની તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા. વરસાણાથી હળવદ સુધી ગેટકો કંપનીની લાઇનનું કામ બજાજ ઇલેક્ટ્રિકલ લિ. નામની કંપની કરી રહી છે. આ કંપનીએ વોંધ ગામની સીમમાં ટાવર નંબર 28-13થી 28-15 વચ્ચે વાયર વગેરે સાધનો લગાવ્યા હતા. ગત તા. 8-1ના આ બજાઝ કંપનીના સહાયક મેનેજર ભોગેન્દ્ર સીતાકાન્ત ઠાકોર અને અન્ય કર્મીઓ કામગીરીના ચેકિંગમાં નીકળ્યા હતા. દરમ્યાન વોંધની સીમમાં આવેલા આ ટાવરોમાંથી ચોરી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટાવરમાં લગાવેલો એલ્યુમિનિયમનો 2940 મીટર વાયર, સિલિકોનના ઇન્સ્યૂલેટર નંગ-20, લોખંડનું ફિટિંગ, સ્પેસર, જોઇન્ટ પાઇપ એમ કુલ્લ 13,24,100ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ગત તા. 1થી 8 દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.