પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પૂરી થતાં કાલથી ફરજ પર
ભુજ, તા. 25 : રાજ્યના પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 14 દિવસથી ચાલતી હડતાળનો મહાસંઘ અને આરોગ્ય મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ સાંજે સુખદ અંત આવ્યો છે. કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય પંચાયત કર્મચારી સંઘના પ્રમુખ હરિભાઈ જાટિયાને પૂછતાં તેમણે મહાસંઘના નિર્ણયને ટાંકીને જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે મહાસંઘ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે યોજાયેલી બેઠક બાદ મોડી સાંજે હડતાળ સમેટી લેવાઈ છે. આ નિર્ણયને પગલે કચ્છના હડતાળમાં જોડાયેલા 754 કર્મચારી તા. 27થી ફરજ બજાવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે તા. 12મીથી શરૂ થયેલી હડતાળ પૂરી થઈ હોવાનું જણાવ્યું હતું.