ભૂકંપમાં પેરાપ્લેજિક દર્દી થયેલાને મોંઘવારીમાં મળતું પેન્શન અપૂરતું

લાકડિયા (તા. ભચાઉ), તા. 25 : ભૂકંપમાં પેરાપ્લેજિક દર્દી બની ગયેલા લોકોની અનેક મુશ્કેલીઓ આવેદનપત્રો અને ભૂખ હડતાળ પછી પણ ઉકેલાઇ નથી. મોંઘવારીમાં હાલ અપાતું પેન્શન રૂા. 2500 અપૂરતું હોવાથી રૂા. 7500 કરી આપવાની માગણી નવજીવન મિત્રમંડળે કરી છે. પેરાપ્લેજિક દર્દીઓના આ મંડળના પ્રમુખ અકબરશા ફકીરે મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદની પેરાપ્લેજિક હોસ્પિટલની ટીમ દ્વારા કચ્છમાં કેમ્પ યોજી સારવાર અપાતી હતી તે કેમ્પો છેલ્લા પાંચ વર્ષથી બંધ થઇ ગયા છે. કેટલાક દર્દીઓનાં ખાતાંમાં સમયસર આટલું અપૂરતું પેન્શન પણ જમા કરાવાતું નથી, એટલું જ નહીં સમયસર દવા પણ મળતી નથી, જે મળે છે તે બહુ ઓછી હોય છે. ભૂકંપની મારથી 2001માં 105 વ્યક્તિ અપંગ બની પથારીવશ થઇ?ગયા હતા, તે પૈકી 36 દર્દી બે દાયકામાં સ્વર્ગવાસી થઇ ચૂક્યા છે, જ્યારે અન્ય 68 જેટલા પરવશ જીવન વિતાવે છે. તેમના તરફ સહાનુભૂતિ દાખવી સરકાર સમયસર યોગ્ય ઉકેલ લાવે તેવી શ્રી ફકીરે માંગ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer