કેબીસીમાં પાબીબેન : બચ્ચને કહ્યું; હિન્દુસ્તાન કા આયના હૈ

ભુજ, તા. 13 : સોનીટીવીના પ્રખ્યાત શો કૌન બનેગા કરોહપતિ જેનું વિશ્વના 170થી વધારે દેશોમાં પ્રસારણ થાય છે અને 37 મિલિયનથી પણ વધારે દર્શકો ધરાવતા અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત આ શોમાં પહેલીવાર કચ્છ અને ગુજરતાના કર્મવીર તરીકે પાબીબેન રબારીની પસંદગી કરવામાં આવી છે. પાબીબેન. કોમ નામની ગ્લોબલ બ્રાન્ડ સ્થાપિત કરીને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. શુક્રવારે રાત્રે 9 કલાકે સોની ટીવી પર આ શોનું પ્રસારણ કરવામાં આવશે. કારીગર ક્લિનિક દ્વારા તૈયાર કરવામાં આવેલા લોકલ ગીફટ બોક્સ અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરને આપવામાં આવ્યા હતા. જે જોઇને તેઓ અભિભૂત થયા હતા અને બચ્ચનજીએ કહ્યું `પાબીબેન હિન્દુસ્તાન કા વો આયના હૈ જહાં ઇન્સાનિયત કા ચહેરા સાફ નજર આતા હૈ' કારીગર ક્લિનિકના નિલેશ પ્રિયદર્શી વાત કરતાં કહ્યું કે, લોકડાઉનના સમયથી કેબીસી સાતે વાતચીત ચાલતી હતી. ઘણા બધા ઇન્ટરવ્યૂ અને વીડિયો કોલ પછી આ પ્રસિદ્ધ શો માટે પાબીબેનનું સિલેકશન થયું છે. કારીગરને આટલું મોટું માન સન્માન મળે તે આપણા સૌના માટે ગર્વની વાત છે. બોલીવૂડના સેલેબ્રિટી અનુપમ ખેર પણ પાબીબેન સાથે શોમાં જોડાયા હતા. કેબીસીની ટીમ તાજેતરમાં ભાદ્રોઇ ગામની મુલાકાત લીધી હતી અને શૂટિંગ કર્યું હતું અને પાબીબેનની સંઘર્ષયાત્રાને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.