16 હજાર ડોઝ કચ્છ આવી પહોંચ્યા : સૈન્યની ત્રણે પાંખ માટે 18,500 ડોઝ

16 હજાર ડોઝ કચ્છ આવી પહોંચ્યા : સૈન્યની ત્રણે પાંખ માટે 18,500 ડોઝ
ભુજ, તા. 13 : કચ્છના હેલ્થકેર વર્કરને આપવા માટે કોરોના વિરોધી કોવિશિલ્ડ રસીનો 16 હજાર ડોઝનો જથ્થો મોડીરાત્રે રાજકોટથી આવી પહોંચ્યો છે. ઉપરાંત સેનાની ત્રણેય પાંખના જવાનો માટેના 18,500 રસીના ડોઝ પણ આજે ગાંધીનગરથી આવી પહોંચશે. આમ, આ સરહદી જિલ્લામાં કોરોનાને અંતિમ ફટકો મારવાનો તખ્તો તૈયાર છે. કચ્છમાં આ રસીકરણ માટેની જવાબદારી સંભાળતા વેક્સિનેટર સહિતના આરોગ્ય કર્મચારીઓ રાજ્ય મહાસંઘના પગલે અળગા રહેવાનું તંત્રને આવેદનપત્ર આપ્યું તો કેવી રીતે વ્યવસ્થા ગોઠવાશે તે અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે વિશ્વાસના રણકા સાથે જણાવ્યું કે, હડતાળમાં ઉતરેલા કર્મચારીઓ વિના કોઇ?મુશ્કેલી પડશે નહીં. અન્ય રિઝર્વ સ્ટાફ તૈયાર છે. એટલે વેક્સિનેશનની કામગીરી નિયત કાર્યક્રમ મુજબ જ આગળ ધપશે. પહેલા તબક્કાનું રસીકરણ એમ.ડી. ડોક્ટરથી માંડી તમામ હેલ્થકેર વર્કરને કરાશે, જેઓ કચ્છમાં 14 હજાર છે. તમામને રસી અપાયા બાદ બે હજાર રસીના ડોઝ?બફર રહેશે. સરકાર દ્વારા સરહદની સલામતી માટે તૈનાત મા ભોમના રક્ષકો માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ છે. ભૂમિદળ, વાયુદળ અને નૌસેના મળી તમામ 18,500 જવાનો-અધિકારીઓ માટે અગાઉ તાલીમ આપી સ્ટાફ તૈયાર કરાયો છે તેમના માટે જિલ્લા આરોગ્ય તંત્રના માધાપર સ્થિત ડિસ્ટ્રીક્ટ વેક્સિન સેન્ટરથી રસી પહોંચતી કરાશે. રાજકોટના રિજિયોનલ ડેપ્યુટી ડાયરેકટર વેકિસન સ્ટોર ખાતેથી રસી લેવા માટે માધાપરથી બુધવારે પોલીસ પાયલોટીંગ સાથે વાહન બે વાગ્યે મેનેજર કમલેશભાઈના નેતૃત્વમાં નીકળ્યું હતું જે આઠ વાગ્યાના અરસામાં ત્યાંથી પરત ફર્યું હતું.  માધાપર સ્થિત જિલ્લા કોવિડ રસીકરણ કેન્દ્ર ખાતે 10 ડોઝવાળા 1600 વાયલનો જથ્થો આવી પહોંચ્યો છે. પ્રથમ તબક્કે નવ દવાખાનામાં ઉદ્ઘાટનના રૂપમાં પહોંચાડાશે. જ્યાં દરેક મથકોએ 100 લેખે કુલ 900ને અપાયા બાદ અઠવાડિયામાં ત્રણ દિવસ, શનિ, સોમ અને ગુરુવારે અપાશે તે સાથે વેકિસનેશન કેન્દ્રોની સંખ્યા વધારી 1218 કરાશે. તા. .16મીએ નવ જગ્યાએ રસીકરણના ઉદ્ઘાટન કાર્યક્રમો યોજાશે જેમાં મુખ્ય જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, સીડીએચઓ ડો. પ્રેમકુમાર કન્નર, સીડીએમઓ ડો. કે.એમ. બુચ, જી.કે.ના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણી ઉપસ્થિત રહેશે. જી.કે.ના હોસ્પિટલના સ્ટાફને આવરી લેવાશે. આ ઉપરાંત ગાંધીધામ અને માંડવીની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ભચાઉ તથા નલિયાના સીએચસી, માધાપર તેમજ રતનાલ પીએચસી, આદિપુર-1 યુએચસી અને મુંદરાની અદાણી હોસ્પિટલ ખાતે રસીકરણ કાર્યક્રમનો આરંભ કરાશે. દરેક કેન્દ્ર ખાતે 100 જણને રસીના ડોઝ અપાશે. જેમને રસી માટે બોલાવવાના હશે તેમને તા. 15ના એસ.એમ.એસ. કરાશે. - 42 દિવસે એન્ટિબોડી બનશે : આ રસીકરણ વિશે વધુ વિગતો આપતાં ડો. કન્નરે જણાવ્યું કે બે ડોઝ લેવાના રહેશે. 42 દિવસ બાદ રસી લેનારાના શરીરમાં એન્ટિબોડી બનશે. આ રસીની અસર કેટલો સમય ટકશે તે વિશે જણાવ્યું કે હજુ સ્ટડી ઉપર છે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પડતર માંગણી પૂરી ન થવાના કારણે મંડળના સભ્યોને આપેલા હડતાળના આદેશથી સાત સંપર્ક લેબોરેટરી ટેકનિશિયન, ફાર્માસિસ્ટ મેલ અને ફિમેલ હેલ્થ વર્કર તેમજ સુપરવાઇઝર અને સ્ટાફ નર્સ અળગા રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer