કોઠારાની કપાસ મિલમાં આગ : ચારેક કરોડના નુકસાનની ભીતિ

કોઠારાની કપાસ મિલમાં આગ : ચારેક કરોડના નુકસાનની ભીતિ
કોઠારા (તા. અબડાસા), તા. 13 : ગામથી એકાદ કિ.મી. દૂર કોઠારા-ભુજના ધોરીમાર્ગ પર આવેલી ખાનગી માલિકીની કપાસની મિલમાં આજે અચાનક આગ લાગતાં કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. અંદાજે ચારેક કરોડ રૂપિયાનું કપાસ બળી ગયાની ભીતિ સેવાઇ છે. કોઠારાથી એક કિ.મી.ના અંતરે આવેલી ઠાકરદાસ નંદગોપાલ જીનિંગ ફેક્ટરીમાં આજે સાંજે પાંચ વાગ્યાના સમયે અચાનક આગ લાગતાં આ મિલમાં રહેલું કપાસ બળી જવા પામ્યું હતું. આ અંગે મળતા અહેવાલ મુજબ આ કપાસની મિલમાં અંદાજે 100 જેટલી ગાડીનો કપાસનો જથ્થો બળી જવા પામ્યો છે. આમ, ચારેક કરોડ રૂપિયાનું કપાસ ખાખ થઇ ગયાનું વર્તુળોમાં ચર્ચાતું હતું. આગ લાગતાં દૂર દૂર સુધી તેના ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, તો આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલવાયો હતો અને માંડવી-ભુજ-સાંઘીપુરમથી અગ્નિશમન દળ રવાના થયા હતા. આગને કાબૂમાં મેળવવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે આ આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાની શક્યતા જોવાઇ રહી છે પરંતુ ખરું કારણ તો તપાસ બાદ જ બહાર આવશે. આ આગના બનાવથી દૂર સુધી ધુમાડા ફેલાતાં લોકોના ટોળાં જોવા આવી પહોંચ્યાં હતાં. આ આગના બનાવની જાણ થતાં તુરંત ઘટનાસ્થળે કોઠારાના ફોજદાર આઇ. જી. બારૂ, કુલદીપસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રાણા, અલ્કેશ કરમટા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. દરમ્યાન, આ લખાય છે ત્યાં સુધી હજુ પણ આગ બુઝાવવાની કામગીરી ચાલી જ રહી છે. આથી નુકસાનીનો ચોક્કસ આંક સર્વે અને આધાર-પુરાવા બાદ જ જાણી શકાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer