ખડીરના 20 હેક્ટરના લંભમાં લાય લાગી

ખડીરના 20 હેક્ટરના લંભમાં લાય લાગી
રાપર, તા. 13 : ખડીરના ઘુડખર અભ્યારણ્ય વિસ્તારના ચાંપાર અને જનાણ વચ્ચેની સીમમાં રખાલની પાછળ આજે બપોરે એકાએક લાંભ ઘાસ સળગી ઉઠતાં પવનની ઝાપટોનાં પગલે આગ વેગવંતી બની હતી અને અંદાજે 20 હેક્ટર વિસ્તારમાં ફેલાઇ હતી. ગ્રામજનોએ વન વિભાગને આગની જાણ કરી હોવા છતાં મોડે સુધી ટીમ ઘટના સ્થળે ન પહોંચી હોવાના આક્ષેપ ઉઠયા હતા, જે અંગે દુર્ગમ વિસ્તાર હોવાથી તેમજ માર્ગ પણ કાચા હોવાના લીધે અગ્નિશમન દળને પહોંચવું મુશ્કેલ બન્યું હોવાની સ્પષ્ટતા કરાઇ હતી. આ આગ સંદર્ભે રતનપરના સરપંચ દશરથભાઇ?આહીર અને રાપર વન વિભાગની ઉત્તર રેન્જના આર.એફ.ઓ. ચેતનભાઇ પટેલ સાથે વાત કરતાં દશરથભાઇએ કહ્યું હતું કે, બપોરે લાગેલી આગને બુઝાવવા જનાણ, કલ્યાણપર, ચાંપર ગામના યુવાનો ટ્રેક્ટર, ટેન્કર અને લીલા?ઘાસ જેવા હાથવગા સાધનોનો ઉપયોગ કરી આગ બુઝાવવાની કામગીરી આદરી હતી જે મોડીસાંજ સુધી ચાલી હતી. ચેતનભાઇએ જણાવ્યું હતું કે, વન વિભાગના ચોકીદારો અને ગ્રામજનોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. પેટ્રોલની જેમ ઝડપી સળગી ઉઠે તેવા લાંભ (કચ્છીમાં લંભ) નામના ઘાસમાં આગ લાગી હોવાથી તે પવનની મારથી ઝડપભેર વેગવંતી બની હતી. ભચાઉ મામલતદારને આગ બુઝાવા અગ્નિશમન દળ મોકલવા જણાવ્યું હોવાનું ચેતનભાઇએ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, ઘટના સ્થળ ખૂબ દૂર હતો અને ત્યાં પાકા માર્ગ પણ ન હોવાથી ગ્રામજનોની મદદ લઇ આગ પર કાબૂ મેળવાયો છે. ખડીરના જંગલ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ?માસમાં આઠમી વખત આગ લાગી છે તેના પાછળના કારણો અંગે ચેતનભાઇને પૂછતાં જણાવ્યું હતું કે, માલધારીઓ ચા બનાવતી વખતે અકસ્માતે આગ લાગી હોવાની સંભાવના દર્શાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer