ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે 108 જેવી 1962ની સુવિધા ભુજમાં તૈનાત

ભુજ, તા. 13 : ઉત્તરાયણ પર્વની ઉજવણીના કારણે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જતું હોય છે, એકબીજાના પતંગને કાપવાની ચડસાચડસીમાં વધુને વધુ કાચ પાયેલા દોરના થતા ઉપયોગના કારણે દોરની અડફેટમાં આવી જતા નિર્દોષ પંખીડા ઘાયલ થતા હોય છે અને કેટલીકવાર તો મરણને શરણ થતા હોય છે. તે માટે ગુજરાત સરકારે શરૂ કરેલા કરુણા અભિયાન આશીર્વાદરૂપ સાબિત થાય છે અને સરકારી કાર્યોમાં સેવાકીય સંસ્થાઓ જોડાતા પ્રવૃત્તિને અનેકગણું બળ મળે છે, તેવો પ્રતિભાવ કચ્છ - મોરબી વિસ્તારના યુવા સાંસદ વિનોદ ચાવડાએ રોટરી પ્રાયોજિત પક્ષી આઈ.સી.યુ. યુનિટને ખુલ્લું મૂકતા દર્શાવ્યો હતો. પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કરે છેલ્લા છ વર્ષો દરમ્યાન થયેલી સેવા કામગીરીનો અહેવાલ આપી ચાલુ વરસ દરમિયાન ઊભી કરાયેલ માળખાકીય સુવિધા સંબંધી વિગતો વર્ણવી હતી. માજી રાજ્ય મંત્રી અને જીવદયાપ્રેમી તારાચંદભાઇ છેડાએ પોતાનો પ્રતિભાવ આપતાં સરકાર સાથે રોટરીના સંયોજનની સરાહના કરી, કરુણા અભિયાન માટે લોકજાગૃતિ ઉભી કરવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા વન અધિકારી હર્ષ ઠક્કરે વન વિભાગ દ્વારા જિલ્લાભરમાં ઊભા કરાયેલ કંટ્રોલ રૂમ સંબંધી વિગતો આપી હતી. પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર વી.ડી. રામાણીએ આ પર્વ દરમ્યાન ઘાયલ થતા પક્ષીઓ માટે ઉભી કરાયેલ વ્યવસ્થાની માહિતી આપતા કહ્યું હતું કે, અહીં સામાન્ય ઇજાથી લઈને અતિ ગંભીર થયેલ પક્ષી-પશુઓ માટે આઈ.સી.યુ. સહિતની સગવડ ઉભી કરી, તે માટે ડો. કુલદીપ છાંટપારની આગેવાની હેઠળ પાંચ ડોકટરોની ટીમ ચોવીસ કલાક કાર્યરત હોવા ઉપરાંત એક આઈ.સી.યુ. ઓન વ્હિલની સગવડ પણ ઉપલબ્ધ હોવાનું ઉમેર્યું હતું. ડો. પીન્ટુ પટેલે આ વખતે પણ માણસો માટેની 108 જેવી જ પક્ષીઓ માટે આરોગ્ય વિષયક ઇમરજન્સી સેવા માટે `1962'ની સેવા કચ્છ ખાતે પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ પ્રકારના વાહન અહીંના રોટરી કેન્દ્ર ખાતે ખડેપગે રહેશે. પક્ષીઓની સારવાર અર્થે સક્રિય થયેલા આ સેન્ટરના પ્રારંભે સહુને આવકારતા રોટરી પ્રમુખ ડો. ઉર્મીલ હાથીએ આ સકારાત્મક પ્રવૃત્તિમાં મળતા સહકાર માટે પશુપાલન વિભાગ અને ફોરેસ્ટ વિભાગનો ઋણ સ્વીકાર્યો હતો સ્વામિનારાયણ મંદિરના સંતો સત્યપ્રકાશસ્વામી તથા ઉત્તમચરણ સ્વામીના હસ્તે દીપ પ્રાગટય અને આશીર્વચનથી આ સેવા કેન્દ્રને ખુલ્લું મૂકતા આ પ્રકલ્પમાં સહભાગી થનાર સુરેશ મણિલાલ ઠકકર, ડો. કુલદીપ છાંટપાટ, ડો. મીત ડોડિયા વિગેરેને બહુમાનિત કરવામાં આવ્યા હતા. જીવદયાના આ પ્રોજેકટ માટે કરુણા અભિયાનની કેક કાપી દાતા સુરેશભાઈ ઠકકરે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. આભારવિધિ રોટરી પ્રોજેકટ ચેરમેન પરાગ ઠક્કરે જ્યારે કાર્યક્રમનું સંચાલન ક્લબ ટ્રેનર પ્રફુલ્લ ઠક્કરે સંભાળ્યું હતું. આ કાર્યક્રમમાં પી.ડી.જી. મોહન શાહ, ડો. જયંત વસા, હરેશ કતીરા, સી.એ. નીતિન ઠકકર, સી.એ.પરેશ પોપટ,રોટે. દિલીપ ઠકકર, તિલક કેશવાણી, વિપુલ શાહ, અભિજિત ધોળકિયા, નીતિન સંઘવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા હેમેન શાહ, ભરત ત્રિવેદી, ભાવેશ પટેલ વિગેરેએ સંભાળી હતી.