ગાંધીધામ રેલવે સ્ટેશને અત્યાધુનિક કેમેરાથી મુસાફરોનું કરાશે ક્રીનિંગ

ગાંધીધામ, તા. 13 : છેલ્લા કેટલાક સમયથી જારી થતા આંકડા મુજબ કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમ છતાં રેલતંત્ર ધ્વારા ગાંધીધામ રેલવે મથક ઉપર કોરોના સામેનો જંગ જીતવા અને તકેદારીના ભાગરૂપે અતિઆધુનિક કેમેરા મૂકવામાં આવ્યો છે. આ કેમેરા સ્ટેશને આવતા પ્રવાસીઓનું તાપમાન માપશે તથા તેણે માસ્ક પહેર્યો છે કે નહીં તપાસ કરશે તેવી વિગતો બહાર આવી છે.કોરોના વાયરસને કારણે એક તબકકે કચ્છનો રેલ વ્યવહાર સદંતર બંધ થઈ ચૂકયો હતો. સરકાર ધ્વારા હાથ ધરાયેલી અનલોકની પ્રક્રિયા અંતર્ગત કેટલી છૂટછાટો અપાઈ હતી. જેના ભાગરૂપે ચૌકકસ પ્રકારની તકેદારી સાથે ટેનોને શરૂ કરવા માટે લીલીંઝંડી મળી હતી. પરિણામે કચ્છનો રેલ વ્યવહાર પુન:જીવંત બન્યો છે. તો બીજી બાજુ કોરોના કહેરમાંથી લોકોને આંશિક રાહત મળી હોવાનો સરકારી આંકડા ઈશારો કરી રહ્યા છે. કોરોનાને લઈ સરકારે જારી કરેલી માર્ગદર્શિકામાં માસ્ક પહેરવા સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે. તમામ પ્રકારની તકેદારી સુરક્ષા સાથે લોકો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય તે દિશામાં રેલતંત્રે કમર કસી છે. ગાંધીધામ રેલવે મથકે તાજેતરમાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજજ કેમેરા મૂકવામાં આવ્યો છે.આ કેમેરા ગાંધીધામ સ્ટેશને પ્રવેશતા પ્રવાસીઓનું તાપમાન માપી રહ્યો છે. તેમજ યાત્રિકોએ માસ્ક પહેર્યો છે કે નહીં તે પણ તપાસ કરે છે. એટલે કે વ્યકિત એ માસ્ક ન પહેર્યો હોય અથવા યોગ્ય રીતે ન પહેર્યો હોય ત્યારે કેમેરો તેના ચહેરા ઉપર લાલ કલરની ચોકડી મૂકશે આ ઉપરાંત કેમેરાની ઓટોમેટિક તપાસ દરમ્યાન જો કોઈ પ્રવાસીઓનું તાપમાન વધુ હશે તો આપોઆપ સાઈરન શરૂ થઈ જશે અને તેને શંકાસ્પદ ગણવામાં આવશે તેવું જાણકાર સૂત્રોએ ઉમેર્યું હતું. ટૂંકમાં ગાંધીધામ રેલવે સ્ટેશન ટેકનોલોજીથી સજજ બની કોરોના સામે લડવા તૈયાર હોવાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું હતું.