કાલથી રસીકરણ; હવે કપાશે કોરોનાનો પતંગ
નવી દિલ્હી, તા. 13 : કોરોના રસી સામે જંગ જીતવા માટે ભારત પુરી રીતે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીના રોજ દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ મહાઅભિયાન શરૂ કરશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કો-વિન એપને પણ લોન્ચ કરવાના છે. રસીકરણ અભિયાન પહેલા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોરોના રસીની ખેપ દેશના અલગ અલગ સેન્ટરો સુધી પહોંચી ચૂકી છે. 16 જાન્યુઆરીએ શનિવારે પુરા દેશમાં કોરોના સામે રસીકરણ કાર્યક્રમની શરૂઆત થશે. આ કોરોના સામે દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન છે. જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રસીકરણ અભિયાનમા વર્ચ્યુઅલી સામેલ થશે અને કોરોનાની રસી દેશને સમર્પિત કરશે. ભારતમાં કોરોનાની બે રસીના ઉપયોગને મંજૂરી મળી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે. આ ઉપરાંત દેશમાં ચાર વધુ વેક્સિન મંજૂરી માટેની તૈયારીમાં છે. કોવશીલ્ડની પહેલી ખેપ મંગળવારે જ દેશના અલગ અલગ ભાગમાં પહોંચી હતી. જ્યારે ભારત બાયોટેકની રસી કોવેક્સીન પણ દેશભરમાં પહોંચવા લાગી છે. કોરોના રસી લોકોને પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે. પહેલા તબક્કામાં અંદાજીત 3 કરોડ લોકોને રસી અપાશે. જેમાં સૌથી પહેલા હેલ્થ વર્કર્સને રસી લાગશે. હેલ્થ વર્કર્સને કોવિશીલ્ડનો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, ગંભીર બીમારીથી પીડિત લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે.