દિલ્હી, તામિલનાડુમાં પણ શાળાઓ ફરી ખૂલશે
નવી દિલ્હી, તા. 13 : કોરોના મહામારીની રસી આવ્યા બાદ દિલ્હીમાં 18 જાન્યુઆરીથી શાળાઓ ખુલી શકે છે. બોર્ડની પરિક્ષાઓને ધ્યાને લઈને 10માં અને 12 ધોરણના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવે તેવી સંભાવના છે.શિક્ષણ વિભાગ તરફથી આ જાણકારી જારી કરવામાં આવી હતી. શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ પાસે વાલીની સહમતિ હોવી જરૂરી રહેશે. શાળાઓએ આ બાબતે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે. તમિલનાડુમાં પણ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. દિલ્હી ઉપરાંત તમિલનાડુ પણ 19 જાન્યુઆરીથી 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાની તૈયારીમાં છે. બિહાર અને ઓરિસ્સામાં પહેલાથી જ શાળાઓ ખુલી ચુકી છે. ઘણા રાજ્યો એવા છે જે ધીરે ધીરે જાન્યુઆરી મહિનામાં શાળાઓ શરૂ કરવાની તૈયારીમાં છે. મુખ્યમંત્રી પલાનીસામી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક ક્લાસમાં 25થી વધારે વિદ્યાર્થીઓની અનુમતિ રહેશે નહી. સોશિયલ ડિસ્ટેન્સ જાળવવા માટે નિયમોની અમલવારી કરવામાં આવશે. આ ઉપરાંત કર્ણાટકમાં ફર્સ્ટ અને સેકન્ડ યરના વિદ્યાર્થીઓના રેગ્યુલર ક્લાસ 14 જાન્યુઆરીથી શરૂ થશે.