6616 શિક્ષણ સહાયકોની ભરતી થશે

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં આગામી દિવસોમાં કોલેજ, અનુદાનીત માધ્યમિક અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયની ભરતી કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકાર કોલેજ, અનુદાનિત માધ્યમિક અને અનુદાનીત ઉચ્ચતર માધ્યમિકમાં 6,616 શિક્ષણ સહાયકની ભરતી કરાશે. અગાઉ અૉક્ટોબર 2019માં 12,344 જગ્યાની ભરતીની જાહેરાત કરાઈ હતી. ત્યારે આજે વધુ 6,616 શિક્ષણ સહાયકની ભરતી અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી.  શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમાએ મીડિયા સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આગામી નજીકના ભવિષ્યથી શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક 2307, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક 3,382, કોલેજમાં અધ્યાપક સહાયક 927 કુલ મળીને 6,616ની સંખ્યામાં શિક્ષણ વિભાગમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. જેમાં અનુદાનિત ઉચ્ચતર વિભાગમાં જે 3382ની ભરતી થવાની તેવા  અંગ્રેજીમાં 624, એકાઉન્ટ અને કોમર્સમાં 446, સોશિયોલોજીમાં 334, ઇકોનોમિક 276, ગુજરાતીમાં 254 આ જ રીતે અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનમાં 1,039, અંગ્રેજીમાં 442, સામાજિક વિજ્ઞાનમાં 289, ગુજરાતી વિષયમાં 234 આમ કુલ મળીને કોલેજ, અનુદાનીત માધ્યમિક અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક 6,616ની મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા શરૂ થશે અને સમયસર પૂર્ણ થશે. આગામી દિવસોની અંદર સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરીશું. આ ભરતી પ્રક્રિયા બાબતે અઠવાડિયામાં નવી જાહેરાત આપીને શરૂ કરીશું.  અન્ય ધોરણોની શાળા ખોલવા બાબતે જણાવ્યું હતું કે, તબક્કાવાર જે રીતે અમે ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવાનું શરૂ કર્યું છે. તે જ રીતે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને બીજો તબક્કો પણ આગળ શરૂ કરીશું. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ચકાસીશું અને તમામ બાબતો ધ્યાનમાં લઇને આગળ નિર્ણય કરીશું. શાળાઓમાં હાજરીમાં પ્રમાણ સારું છે અને સંતોષકારક છે. સામાન્ય દિવસોમાં વેકેશન ખુલે અને પહેલા બે દિવસોમાં જે રીતે વિદ્યાર્થીઓની હાજરી હોય છે તેના પ્રમાણમાં આટલા લાંબા સમય પછી પહેલા અને બીજા દિવસે હાજરી સંતોષકારક છે. પહેલા દિવસે હાજરી 30થી 35 ટકા હતી અને બીજા દિવસે 38થી 42 ટકા થઇ છે. કોલેજોમાં પણ પહેલા દિવસે 42થી 45 હાજરી હતી. તેમાં પણ વધારો થયો છે. 18 તારીખથી પૂર્વવત વિદ્યાર્થીઓ આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer