જખ્મી ટીમ ઇન્ડિયા કાંગારુઓને ભરી પીવા તૈયાર

બ્રિસબેન, તા. 13 : પ્રથમ ટેસ્ટમાં 36 રનમાં ધબડકા બાદ વિપરિત સંજોગોમાં વાપસી કરીને બીજો ટેસ્ટ જીતનાર અને ત્રીજો ટેસ્ટ લડાયક જુસ્સાથી ડ્રો કરનાર ટીમ ઇન્ડિયા હવે જખ્મી શેરો સાથે શ્રેણીનો ચોથો અને આખરી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. જે શુક્રવારથી અહીંના ગાબાના મેદાન પર રમાશે. શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. આથી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીનો આ મેચ ફાઇનલ સમાન છે. મેચ શુક્રવારે વહેલી સવાર પ-00 વાગ્યાથી શરૂ થશે. શુક્રવારથી રમાનાર ચોથા ટેસ્ટમાં ભારતને તેના અનેક ઇજાગ્રસ્ત ખેલાડીઓની ખોટ પડશે. શમી, ઉમેશ અને યાદવ તો પહેલેથી શ્રેણી બહાર થઇ ગયા છે. બીજા ટેસ્ટમાં લડાયક ઇનિંગ રમીને મેચ બચાવનાર હનુમા વિહારી પણ ચોથા ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે. બુમરાહ પણ લગભગ રમશે નહીં, જો કે તેની ઉપલબ્ધી પર હજુ કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. તેના પેટના સ્નાયૂ ખેંચાઇ ગયા છે. હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે બુમરાહના રમવા પર ટીમ મેનેજમેન્ટે કોઇ નિર્ણય લીધો નથી, પણ પ0-પ0 ટકા તક ગણાવી છે. જે ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. તે હાલ પ0 ટકા ફિટનેસ ધરાવે છે. આગામી ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ શ્રેણીના ધ્યાને રાખીને બુમરાહના ચોથા ટેસ્ટમાં રમવા પર ટીમ આખરી નિર્ણય લેશે. અશ્વિન અને પંત પણ ઇજામાંથી પસાર થઇ રહ્યા છે. જો કે સારી વાત એ છેકે અશ્વિન ચોથા ટેસ્ટ રમવા તૈયાર છે, પણ પંત જો રમશે તો ફકત બેટધર તરીકે જ. આથી વિકેટકીપર તરીકે રિધ્ધિમાન સાહ હશે. આખરી ટેસ્ટમાં બુમરાહ બહાર હશે તો સિરાઝ અને સૈની સાથે નટરાજન અથવા શાર્દુલ હશે. જાડેજાની જગ્યા માટે ટીમ પાસે કોઇ યોગ્ય વિકલ્પ નથી. આથી ચાઇનામેન બોલર કુલદિપ યાદવ અથવા તો નેટ બોલર વોશિંગ્ટન સુંદર શુક્રવારે ગાબાના મેદાનમાં ઉતરી શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની નજર આખરી ટેસ્ટ જીતીને બોર્ડર-ગવાસ્કર ટ્રોફી કરજે કરવા પર હશે. જે હાલ ભારત પાસે છે. પાછલી 2018-19ની શ્રેણીમાં કોહલીના સુકાનીપદ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર 2-1થી હાર આપી હતી. જો કે આખરી ટેસ્ટમાં કાંગારૂ ટીમ માટે પણ કપરાં ચઢાણ છે. બીજા ટેસ્ટની હાર અને ત્રીજા ટેસ્ટનું હાર સમાન ડ્રોના પરિણામથી તેમના મનોબળ પર અસર થઇ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ઇજાથી પીડાઇ રહી છે. વોર્નર સફળ વાપસી કરી શકયો નથી, તો પુકોવસ્કી ફરી ઇજાનો ભોગ બન્યો છે. ઝડપી બોલર કમિન્સ પણ સંપૂર્ણ ફિટ ન હોવાના રિપોર્ટ છે. ગાબા પર ઓસ્ટ્રેલિયાએ પાછલા ત્રણ દશકામાં ટેસ્ટ હાર સહન કરી નથી. જે તેમના પક્ષમાં રહી શકે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer