બંધ ખાતાંઓ ઓનલાઇન ચાલુ કરી કરોડથી વધુનું કૌભાંડ
ભુજ, તા. 13 : ટપાલ કચેરીઓની કાર્યવાહી ઓનલાઇન કરવાની કાર્યવાહીથી બાકાત રહી ગયેલી કચ્છની જુદીજુદી ત્રણ સબ પોસ્ટ ઓફિસને ઓનલાઇન કરવા સમયના અંતિમગાળામાં સ્થિતિનો લાભ ઉઠાવીને બંધ કરાવાયેલાં ખાતાં પુન: જીવતાં કરી તેમાં ખોટા આંકડા પૂરીને અંદાજિત રૂા. એક કરોડથી વધુનું નાણાંકીય કૌભાંડ આચરાયાનો કિસ્સો આ શહેરની રાવલવાડી સબ પોસ્ટ ઓફિસને લઇને બહાર આવ્યો છે. છેલ્લા એકાદ વર્ષમાં આચરાઇ ગયેલી આ નાણાંકીય ઘાલમેલની તંત્ર દ્વારા છાનબીન પણ શરૂ કરાતાં આગામી દિવસોમાં ફોજદારી સહિતની નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. રાવલવાડી સબ પોસ્ટ ઓફિસને ઓનલાઇન કરવા સમયે જવાબદાર દ્વારા તેના મળતિયાઓ સાથે મળી તકનો લાભ ઉઠાવીને ગ્રાહકો દ્વારા બંધ કરાવી જવાયેલાં કેટલાક ખાતાંઓ ફરીથી શરૂ કરી તેમાં આભાસી આંકડા પૂરીને આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. આ સંબંધી વાઉચરો વડી ટપાલ કચેરીએ પહોંચ્યા પછી બંધ થઇ ચૂકેલાં ખાતાંઓ ફરી શરૂ થવાના અને તેમાંથી રકમની ઉઠાંતરીનાં પરિબળો ધ્યાને લઇને છાનબીન શરૂ થતાં આ મસમોટું કારસ્તાન આચરાઇ ચૂક્યાનું સપાટીએ આવ્યું છે. જિલ્લાના ટપાલ તંત્ર દ્વારા આ પ્રકરણમાં એકબાજુ ખાતાંકીય તપાસનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે તો જવાબદાર મનાતા જે તે સમયના સ્ટાફ સદસ્યને પણ તે કેસ કે પુરાવાને હાનિ ન કરી શકે તે રીતે અન્ય જગ્યાએ બદલાવી દેવાયા હોવાની વિગતો બહાર આવી છે. આધારભૂત અને માહિતગાર સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર રાવલવાડી સબ પોસ્ટ કચેરી સહિતની બાકી રહી ગયેલી ત્રણ કચેરીને ઓનલાઇન કરવાની કાર્યવાહીના અંતિમ તબક્કા સમયે સાતેક મહિના પહેલાં નાણાંકીય ઘાલમેલના આ પ્રકરણને અંજામ અપાયો હતો. આ માટે અગાઉ ગ્રાહકોએ બંધ કરાવી નાખ્યાં હોય તેવાં ખાતાંઓને ઓનલાઇન પુન: જીવતાં બતાવી તેમાં જમા રકમ બતાવાઇ હતી અને આ રકમ ઉપાડી પણ લેવાઇ હતી. આવું જુદાંજુદાં બાવીસ ખાતાંમાં કરાયું હોવાની માહિતી તંત્રની પ્રાથમિક તપાસમાં સપાટીએ ઊભરી આવી છે. મીંડાં ચડાવીને આ ગોલમાલનો કારસો પાર પડાયો હોવાનું પણ બહાર આવ્યું છે. વડી કચેરીએ આ પ્રકારનાં જમા-ઉધારનાં વાઉચરો પહેંચ્યા પછી દાળમાં કાળું હોવાની આશંકા સાથે જિલ્લા સ્તરેથી તપાસ આરંભાઇ હતી. જેમાં આ પ્રકારે અત્યાર સુધી ગેરરીતિનો આંક રૂા. એક કરોડથી વધુ હોવાનો નિષ્કર્ષ પણ તપાસનીશોએ અનુભવ્યો છે. સમગ્ર પ્રકરણની વિધિવત તપાસ ગત અઠવાડિયાંથી આરંભાયાનું તંત્રને સંલગ્ન સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ માટે નિયુક્ત કરાયેલા નિરીક્ષક કક્ષાના બે અધિકારી રાવલવાડી સબ પોસ્ટ ઓફિસ સહિતના સ્થળે ફરી વળ્યા છે. આ દરમ્યાન સમગ્ર કાંડને સાંગોપાંગ કરવામાં અમુક એજન્ટોની ભૂમિકા પણ રહી હોવાની ગંધ તપાસનીશોને આવી છે. જે બાબતે પણ ગંભીરતા સાથે ધ્યાન કેન્દ્રિત કરાયું છે. દરમ્યાન જવાબદાર મનાતા જે તે સમયના સ્ટાફ સદસ્ય હાલે અન્ય જગ્યાએ ફરજ બજાવે છે તેમને ત્યાંથી બદલીને તંત્રએ એવી જગ્યાએ મુક્યા છે કે જેના કારણે તેઓ તપાસમાં વિક્ષેપ ન નાખી શકે કે પુરાવા નાશ કરવાની અથવા તો તેમાં ચેડાં કરવાની કોઇ ચેષ્ટા ન કરી શકે. અંદાજિત રૂા. 1.12 કરોડના આંક ઉપર પહેંચી ચૂકેલા આ નાણાંકીય ઉચાપતના મામલામાં ખાતાંકીય તપાસનો ચાલી રહેલો ધમધમાટ જોતાં આગામી દિવસોમાં તંત્ર સમગ્ર પ્રકરણને ફોજદારીના સ્વરૂપમાં કાયદાનું રૂપ આપે તેવી ઘડીઓ પણ ગણાઇ રહી છે. દરમ્યાન આ પ્રકરણની વધુ વિગતો સાથે પ્રગતિ અહેવાલ જાણવા માટે કચ્છના ટપાલ અધીક્ષક મહેશ પરમારનો તેમના મોબાઇલ ફોન 97129 79961 ઉપર વારંવાર સંપર્ક કરવા છતાં તેમનો ફોન નો રિપ્લાય જ મળતાં વિગતો જાણી શકાઇ ન હતી.