મહારાણી શ્રી ગંગાબાસાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના નામને સૈદ્ધાંતિક મંજૂરી
ભુજ, તા. 13 : કચ્છના 16મા મહારાવ ખેંગારજીના ધર્મપત્નીના નામે 1943માં શરૂ કરાયેલી અને વાણિયાવાડ નાકા બહાર આવેલી ગંગાબા મિડલ સ્કૂલ અને પાછળથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરીકે ઓળખાતા સંકુલનું ફરીથી `મહારાણી શ્રી ગંગાબાસાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન' નામાભિધાન કરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કચ્છના 17મા રાજવી મહારાવ વિજયરાજજી દ્વારા તેમના માતા ગંગાબાસાહેબના નામે શહેરના વાણિયાવાડ નાકા બહાર વિશાળ અને આલીશાન મિડલ સ્કૂલ ઊભી કરવામાં આવી હતી. આ મિડલ સ્કૂલ 2001ના ભયાનક ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થતાં તેને પાડી દેવામાં આવી હતી અને તે જગ્યાએ સુવિધાયુકત નૂતન બિલ્ડિંગ બનાવાઇ હતી. જેમાં શિક્ષક બનવા માગતા ભાઇ-બહેનો માટે બેઝિક ટ્રેનિંગ કોલેજ (બીટીસી) શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી તે અધ્યાપન મંદિર (પીટીસી)માં ફેરવાયું હતું. 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પગલે 1991થી અહીં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) કાર્યરત છે. કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સભા દ્વારા આ તાલીમ ભવનનું નામ ફરીથી દાતાના નામ સાથે જોડવા વર્ષોથી માગણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ગઇકાલે તા. 12મી જાન્યુઆરીએ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી આ ભવનનું નામાભિધાન કરી `મહારાણી શ્રી ગંગાબાસાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન' નામ રાખવા હુકમ કરાયો છે. તેથી હવે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઉપરોકત નામથી ઓળખાશે.