માંડવીમાં ખેતરપાળ મંદિરની એક કિલોની ચાંદીની મૂર્તિ તસ્કરો તફડાવી ગયા
ભુજ, તા. 13 : માંડવી શહેરમાં પોલીસ મથકના પાછળના વિસ્તારમાં આવેલા જોગીવાસ ખાતેના ખેતરપાળ દાદાના મંદિરમાંથી કોઇ હરામખોરો રૂા. 20 હજારની કિંમતની ચાંદીની એક કિલો વજનની મૂર્તિ ચોરી ગયા હતા. આ મંદિરની સેવાપૂજા કરતા સામતભાઇ અલુભાઇ જોગીએ આજે આ ચોરી વિશે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે છાનબીન હાથ ધરી છે.તસ્કરીની આ ઘટના ગઇકાલે બપોરે ચાર વાગ્યાથી આજે સવારે છ વાગ્યા દરમ્યાન બન્યાની વિગતોફરિયાદમાં લખાવાઇ છે. પોલીસ સૂત્રોએ ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે આજે સવારે સેવાપૂજા માટે ફરિયાદી ગયા ત્યારે મૂર્તિ ગુમ જોવા મળી હતી. ઉઠાવી જવાયેલી મૂર્તિ એક કિલો વજનની અને તેની કિંમત રૂા. 20 હજાર થતી હોવાનું લખાવાયું છે.