કચ્છની સંકલિત મતદારયાદીની 15મીએ આખરી પ્રસિદ્ધિ
ભુજ, તા. 13 : ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેનો તખતો ઘડાઈ રહ્યો છે ત્યારે શુક્રવારે તારીખ 15 જાન્યુઆરીના જિલ્લાની સંકલિત મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ પ્રસિદ્ધિ બાદ જો કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો થાય તો સંબંધિત મામલતદારનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર સંકલિત મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાયા બાદ હવે તેની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનારી છે. આ વર્ષ કોરોના કાળ હોવા છતાં સુધારણા ઝુંબેશ અંતર્ગત વિક્રમી સંખ્યામાં ફોર્મ મળવા સાથે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ બાદ કચ્છમાં 57,000થી વધુ મતદારોનો વધારો થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય એ પણ છે કે, કચ્છમાં કુલ વસતીના 60 ટકા લોકો મતદાર હતા તેમાં 3 ટકાના વધારા સાથે આ આંકડો હવે 63 ટકા પર પહોંચ્યો હતો. આ વર્ષે 18થી 19 વર્ષની વય જૂથના યુવા મતદારોની નામ નોંધણી પણ મોટા પ્રમાણમાં થતાં તેનો રેશિયોય વધ્યો છે.