પચ્છમના ખેડૂતો પાક નુકસાની સહાયથી વંચિત
સુમરાપોર (તા. ભુજ), તા. 13 : કમોસમી વરસાદથી પચ્છમ વિસ્તારમાં પાકને મોટાપાયે નુકસાની થઇ છે, તે વચ્ચે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરાઇ તેને પગલે ઓનલાઇન અરજી બાદ કેટલાકને રકમ ચૂકવાઇ જેમાં અનેકગણા વંચિત રહી ગયા હોવાની ફરિયાદ ઊઠી છે. તંત્રે પીએમ કિસાન યોજના અંતર્ગત આ ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા માટે વધુમાં વધુ વીસ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જેથી આ પાંચાડાના ઘણા બધા ખેડૂતોએ ઓક્ટોબર-20માં પીએમ કિસાન યોજનામાં ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. આ સહાય જાહેર થયા બાદ ખાવડા દેના બેન્ક બેન્ક ઓફ બરોડામાં મર્જ થતાં ઓનલાઇન થયેલી તમામ અરજીઓને આ પ્રક્રિયા નડતરરૂપ બની હતી. જેમાં આવા ખેડૂતોના નવા એકાઉન્ટ પણ આપ્યા હતા. ત્યારબાદ અમુક ખેડૂતોને આ આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી અને ઘણા બધા ધરતીપુત્રોને આ આવી આર્થિક સહાય છેલ્લા બેથી ત્રણ માસ જેવો સમય વીતી ગયો છતાં પણ ચૂકવવામાં આવી નથી.કુરન ગ્રા.પં., ધ્રોબાણા, કોટડા (ખા), મોટા દિનારા, નાના દિનારા, ખાવડા, રતડિયા, ધોરાવર, જામકુનરિયા, જુણા સહિતની ગ્રામ પંચાયતોમાં અમુક ખેડૂતોને આવી પાક ધોવાણની સહાય ચૂકવવામાં આવી છે, તો ઘણા બધા ખેડૂતોને આવી કોઇ જાતની સહાય ચૂકવાઇ નથી અને ખેતીવાડી સત્તાવાળાઓ સમક્ષ તેમજ ગ્રામ સેવક સમક્ષ ઘણા બધા ખેડૂતોની રજૂઆતો થઇ છે તેમજ ઘણા બધા ખેડૂતો આ સહાય બાબતે ભુજના ધરમ ધક્કા ખાઇ રહ્યા છે. પણ હજી આવી પાક ધોવાણ સહાયનો કોઇ અતોપતો નથી. માટે તંત્ર વહેલીતકે ખેડૂતોની વેદના સાંભળી આવી સહાય ચૂકવવા પચ્છમની તમામ પંચાયતોના ધરતીપુત્રોએ રજૂઆત કરી છે.