ઉત્તરાયણ પૂર્વે કચ્છમાં હવામાનની વિષમતા વધી

ભુજ-નલિયા તા. 13 : ઉત્તરાયણના પર્વ ટાંકણે કચ્છને કડકડતી ઠંડીના મોજામાંથી આંશિક રાહત મળી છે, તો વાતાવરણીય વિષમતા વધતાં રાત્રે ઠંડી તો દિવસના ભાગે હૂંફાળો માહોલ અનુભવાઈ રહ્યો છે. નલિયા પ ડિગ્રી સાથે વધુ એક દિવસ રાજ્યના ઠંડા મથકોમાં મોખરાના સ્થાને રહ્યું હતું, તો કંડલા (એ)માં 3.9 ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ પારો 7.7 ડિગ્રીના સિંગલ ડિજિટમાં પહોંચ્યો હતો. અંજાર-ગાંધીધામ સહિતના વિસ્તારમાં આ કારણે રાત્રિના સમયે નોંધનીય ચમકારો અનુભવાયો હતો. જિલ્લા મથક ભુજમાં 10.8 અને કંડલા પોર્ટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્તમ પારો ર6થી 29 ડિગ્રી વચ્ચે રહેતાં લઘુતમ-ગુરુત્તમ તાપમાનમાં 18થી 24 ડિગ્રીનો મોટો  તફાવત જોવા મળતાં વાતાવરણમાં વિષમતા વર્તાઈ હતી. નલિયામાં ગઈકાલે પારો થોડો ઊંચકાઈ 8 ડિગ્રી નોંધાયા પછી મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ 3 ડિગ્રી જેટલો નીચો ઊતરી પાંચ ડિગ્રીએ પહોંચી ગયો હતો. શિયાળાની સિઝનની શરૂઆતથી જ ઠંડીએ પોતાની પકડ અબડાસામાં મજબૂત બનાવી રાખી જ છે. શરૂઆતથી જ એકાદ અપવાદ સિવાય પારો સતત સિંગલ ડિજિટમાં જ રહ્યો છે. એટલે અહીં ઠારનું પ્રભુત્વ શરૂઆતથી જ રહ્યું છે. વચ્ચે કયારેક પારો સહેજ ઊંંચકાય તો સામે પવન શરૂ થાય એટલે ઠંડીનો સકંજો તો સતત રહ્યો જ છે. પારો ગમે ત્યાં અટકે પણ યેનકેન પ્રકારે ઠંડીનો ચમકારો તો ચાલુ જ રહ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer