આજે અગાસી પર પોલીસની બાજનજર

ભુજ, તા. 13 : કોરોનાની મહામારીનું સંક્રમણ વધુ ન ફેલાય તેના માટે મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને જાહેરનામા બહાર પડયા છે ત્યારે આવતીકાલે તેની ચુસ્ત અમલવારી માટે પોલીસ કટિબદ્ધ બની છે. મકરસંક્રાંતિના દિને પરિવાર સિવાયના વધુ લોકો અગાસી પર એકત્ર ન થાય, માસ્ક પહેરવું ફરજિયાત, તેમજ જાહેર સ્થળો, માર્ગો, ખુલ્લા મેદાનો પર પતંગ ચગાવવા માટે વધુ માત્રામાં લોકો એકત્રિત થઈ શકશે નહીં. આ ઉપરાંત ખુદની અગાસી પર પણ પરિવાર સિવાયના વધુ લોકો એકત્ર ન થાય તે માટે જિલ્લા કલેકટરે પણ જાહેરનામા બહાર પાડયા છે. આની ચુસ્ત અમલવારી માટે પોલીસે વ્યવસ્થા ગોઠવી હોવાની માહિતી આપવા પશ્ચિમ કચ્છ પોલીસના પોલીસ અધીક્ષક સૌરભસિંઘે પત્રકાર પરિષદ બોલાવી હતી, પરંતુ તેમને અચાનક બહાર જવાનું થતાં નાયબ પોલીસ અધીક્ષક જે. એન. પંચાલે પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારે બહાર પાડેલા જાહેરનામાની ચુસ્ત અમલવારી થશે.આવતીકાલે જ્યાં પણ આ જાહેરનામાનો ભંગ થતો દેખાય તો જાગૃતો પોલીસ હેડકવાર્ટર અથવા જે-તે સ્થળના પોલીસ મથકે ફોન કરી જાણ કરે જેથી કાર્યવાહી થઈ શકે તેવું શ્રી પંચાલે જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, ભીડભાડ જેવા શહેરી વિસ્તારોમાં  પોલીસ ખાસ ડ્રોન ઉડાડી ચાંપતી નજર રાખશે. આમ ડ્રોન તેમજ દૂરબીનથી પોલીસ સતત નજર રાખશે.લોકો પણ જાહેરનામાની અમલવારી કરી સાથ-સહકાર આપે તેવી અપીલ કરી વધુ ઉમેર્યું કે, અકસ્માત નિવારવા જાહેરમાર્ગો પર પતંગ ન ચગાવે તેમજ કપાયેલા પતંગ પકડવા માટે પણ માર્ગો પર ન દોડે કારણ કે આવી બેદરકારીના લીધે અનેક અકસ્માતો થાય છે ઉપરાંત ઈલેકટ્રીક વાયર-થાંભલાથી પણ દૂર રહેવું જરૂરી છે. પતંગ પર કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણો પણ ન લખવા જેથી સુલેહ શાંતિ બરકરાર રહે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer