ગાંધીધામમાં સાડીચોર મહિલા પકડાઈ : દસેકની ટોળકી નાસી જવામાં સફળ
ગાંધીધામ, તા. 13 : શહેરના ભારતનગરમાં આવેલી મુખ્ય બજારમાં આજે દશેક જેટલી મહિલાઓ સાડીની ખરીદી કરવાના બહાને દુકાનદારની સાડી ચોરી કરીને નાસવા જતાં એક મહિલાને પકડી પાડી વેપારીઓએ આ મહિલાને પોલીસના હવાલે કરી હતી.અહીંના ભારત નગરની મુખ્ય બજારમાં આજે બપોરે આ બનાવ બન્યો હતો. અહીં આવેલી બાલાજી સાડી સેન્ટર નામની દુકાનમાં આજે બપોરે દશેક મહિલાઓ સાડી ખરીદી કરવાના બહાનાથી અંદર ઘૂસી હતી. આ મહિલાઓ સાડી પસંદ નથી તેમ કહી બહાર નીકળી ગઈ હતી.બાદમાં દુકાનદારને શક જતાં તેમણે પોતે આ મહિલાઓને બતાવેલી સાડીઓ તપાસી હતી જેમાં સાડીનો સ્ટોક ઓછો જણાતાં દુકાનદારે આ મહિલાઓની પાછળ દોડી એક મહિલાને પકડી પાડી હતી.તેની પૂછપરછ કરાતાં તેમની ટોળકીએ સાડીઓની ચોરી કરી હોવાની કબૂલાત આ વેપારીઓ સમક્ષ પકડાયેલી મહિલાએ આપી હતી. અહીં એકઠા થયેલા વેપારીઓએ આ મહિલાને પોલીસના હવાલે કરી હતી. તેમજ ચોરીમાં ગયેલો માલ પરત મેળવી આપવા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી.આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીના અનેક બનાવો બની ગયા છે ત્યારે અહીં પોલીસ ચોકી ખોલવા ફરી એક વખત લોકોમાં માંગ ઉઠી હતી. તેમજ સાંજના સમયે લુખ્ખા તત્વોના ત્રાસથી મુકિત અપાવવા દરરોજ સાંજે પેટ્રાલિંગ કરવા પણ માંગ કરવામાં આવી હતી.