કચ્છમાં આપઘાતના ત્રણ બનાવ સહિત ચાર અપમૃત્યુ

ગાંધીધામ, તા. 13 : તાલુકાના પડાણામાં રહેનારી મઠીબેન રાજુ ભાંભોર (ઉ.વ.11) નામની બાળકીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતાં ભારે ચકચાર પ્રસરી હતી. બીજી બાજુ મીઠીરોહરમાં નવીન અજાભાઈ રાઠોડ (ઉ.વ.25) નામના યુવાને પણ ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. માંડવીના જનકપુર વાડી વિસ્તારમાં અગાઉ ઝેરી દવા પી લેનારી વર્ષાબેન ગોપાલસિંઘ નાયક (ઉ.વ.20) નામની યુવતીએ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા.તેમજ ગાંધીધામમાં ફુલબાબુ અબ્દુલ હસન (ઉ.વ. 27)નું કોઈ કારણોસર મોત થયું હતું. પડાણા ગામમાં રહેનારી મઠીબેન નામની બાળકીએ ગઈકાલે સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. આ બાળકીએ પોતાના ઘરે રસ્સી વડે ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. આપઘાતનો આ બનાવ ગઈકાલે બપોરે પ્રકાશમાં આવ્યો હતો. આ બાળકી ઉગ્ર સ્વભાવની હોવાનું તપાસકર્તા પી.એસ. આઈ.જી.બી. માજીરાણાએ જણાવ્યું હતું. તેમ છતાં આ બનાવ પછવાડેનું કારણ હજુ બહાર આવ્યું નથી. બીજી બાજુ મીઠીરોહરમાં રહેતા અને મજૂરી કામ કરતા નવીન રાઠોડ નામના યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્યકારણોસર તેણે રસ્સી વડે ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. વધુ એક આપઘાતનો બનાવ માંડવીના જનકપુર વાડી વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનારી વર્ષાબેન નામની યુવતીએ ગત. તા.8-1ના કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેને પ્રથમ સ્થાનિકે અને વધુ સારવાર  અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જયાં સારવાર દરમ્યાન આ યુવતીએ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા.આ બનાવની આગળની તપાસ માંડવી પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ ગાંધીધામમાં બન્યો હતો.અહીં ટ્રાન્સપોર્ટ નગરમાં શંકર લોજિસ્ટિકમાં કામ કરનારો ફુલબાબુ નામનો યુવાન પોતાની કંપનીના વાહનમાં બેઠો હતો તેવામાં તે કોઈ કારણોસર બેભાન થઈ ગયો હતો. તેને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. મકરસંક્રાતિના પર્વ પહેલાં જિલ્લામાં ચાર મોતના પગલે અરેરાટી પ્રસરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer