સારાં કપડાં અને ભેટસોગાદ માટેની લાલચ આપીને તરુણી સાથે દુષ્કર્મ

ભુજ, તા. 13 : સોશિયલ મીડિયા ઉપર પરિચય કેળવ્યા બાદ ચાટિંગ દરમ્યાન સારાં કપડાં અને ભેટસોગાદો લઇ આપવાની લાલચ આપીને 15 વર્ષની વયની કિશોરી સાથે યુવાને બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદના સ્વરૂપમાં નોંધાયો છે. પોલીસે તાત્કાલિક પગલાં લઇને પોકસો સહિતની કલમોવાળા આ ગુનાના આરોપી તાલુકાના માધાપર ગામના ભૌતિક લક્ષ્મણભાઇ આહીરને દબોચી લીધો છે. તરુણીના પિતા દ્વારા બનાવ બાબતે વિધિવત ફરિયાદ ગતરાત્રે દાખલ કરાવ્યા બાદ કેસના તપાસનીશ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.વસાવાએ આરોપી ભૌતિક આહીરને પકડી પાડયો હતો. આરોપી સામે દાખલ કરાયેલા ગુનામાં બળાત્કાર અને પોકસો સહિતની કલમો લગાડવામાં આવી છે. ફરિયાદમાં લખાવાયેલી વિગતો અનુસાર સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ દ્વારા 20 વર્ષની વયનો તહોમતદાર ભોગ બનનારી તરુણીના સંપર્કમાં આવ્યો હતો. આ દરમ્યાન આરોપીએ સોશિયલ મીડિયામાં ખરાબ ચાટિંગ કરવા સાથે અમુક વીડિયો મોકલ્યા હતા તો સારાં કપડાં અને ભેટસોગાદ લઇ આપવાની લાલચ આપી તે કન્યાને પોતાના ઘરે લઇ ગયો હતો અને ત્યાં તેણે બે વખત ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધી દુષ્કર્મને અંજામ આપ્યો હતો.દુષ્કર્મ અને શારીરિક શોષણની આ સમગ્ર ઘટના છેલ્લા દશથી બાર દિવસ દરમ્યાન બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer