બે પીધેલા શખ્સને અંજારની અદાલતે ફટકારી કેદની સજા

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના વરસામેડીમાં શાંતિધામ સોસાયટી પાસે તથા મોરગરથી દેશલપર વચ્ચે દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા બે શખ્સને અંજારની કોર્ટે એક વર્ષની સખત કેદ તથા રૂા.1000નો દંડ ફટકાર્યો હતો. અંજારની પોલીસ શાંતિધામ બાજુ પેટ્રાલિંગમાં હતી ત્યારે શાળા નજીકથી ગળપાદરનો વિજયસિંહ રણજીતસિહ જાડેજા નામનો શખ્સ પીધેલી હાલતમાં જણાઈ આવ્યો હતો. તેનું મેડિકલ કરાવી તેની અટક કરવામાં આવી હતી. આ કેસ અંજારની કોર્ટમાં ચાલી ગયા બાદ તમામ પાસાં ચકાસીને ન્યાયાધીશ શ્રી બંસલે આ શખ્સને 1વર્ષની સખત કેદ અને રૂા.1000નો દંડ ફટકાર્યો હતો. તેમજ દુધઈ પોલીસ મોરગર અને દેશલપર વચ્ચે પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરગરના મનજી ઉમર કોળી નામના શખ્સને પીધેલી હાલતમાં ઝડપી પાડયો હતો. તેનું મેડિકલ વગેરે કરાવી તેની અટક કરવામાં આવી હતી. આ કેસ પણ અંજારની કોર્ટમાં ચાલી ગયા બાદ ન્યાયાધીશે આ શખ્સને પણ સજા ફટકારી હતી. તેને 1 વર્ષની સખત કેદની સજા તથા રૂા.1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બંને કેસમાં સરકાર તરફે સરકારી વકીલ હિતેશ ચૈધરી ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer