મુંદરામાં લુડોમાં હારેલી રકમ માટે યુવક પર પાઇપથી હુમલો
ભુજ, તા. 4 : મુંદરા ખાતે લુડો રમત દરમ્યાન હારી જવાયેલી રૂા. 200ની રકમ માટે 35 વર્ષની વયના સલીમ સુલેમાન ઉન્નડ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો, જેમાં આ યુવાનને હાથમાં, પંજામાં અસ્થિભંગ સહિતની ઇજાઓ થઇ હતી. પોલીસે આ બાબતે આપેલી માહિતી મુજબ, મુંદરામાં પાવાપુરી ચાર રસ્તા દુલારીપીરના દવાખાના નજીક ગઇકાલે બપોરે આ ઘટના બની હતી, જે વિશે ભોગ બનનારે મુંદરાના ગુજજરાવાસમાં રહેતા રાજ ગોહિલ, સુનિલ ગોહિલ અને મહિલો તરીકે ઓળખાવાયેલી વ્યકિત સામે ગુનો નોંધાવ્યો હતો. ઇજા પામનારા સલીમ અને આરોપી રાજ બુધવારે રાત્રે લુડો રમ્યા હતા, જેમાં સલીમ 200 રૂપિયા હારી ગયો હતો. આ રકમ લેવા માટે હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.