ગાંધીધામ શાકભાજી બજારમાં કોરોના પરીક્ષણની થઈ ઝુંબેશ

ગાંધીધામ, તા. 24 : કોરોના મહામારી સામે આરોગ્ય વિભાગે લડત છેડી છે અને મહત્તમ લોકોનો કોરોના પરીક્ષણની દિશામાં ગતિવિધિ તેજ બની છે, ત્યારે સ્થાનિક આરોગ્ય વિભાગે ગાંધીધામની શાકમાર્કેટમાં કોરોના ટેસ્ટનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં આજે કુલ 91 નમૂનામાંથી 2 લોકોને કોરોના હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાના માર્ગદર્શન તળે સુંદરપુરી શાકભાજી બજારમાં અંદાજિત 65 જેટલા વેપારીઓનું કોરોના પરીક્ષણ કરાયું હતું તેમજ ગણેશનગરમાં આવેલી શાકમાર્કેટમાં આ જ પ્રકારે 26 જેટલા શાકભાજી વિક્રેતાના નમૂના લેવાયા હતા. દરમ્યાન બંને સ્થળો ઉપર એક-એક પોઝિટિવ કેસ બહાર આવ્યો હોવાનું જાણકારોએ કહયું હતું. દિવાળીના તહેવારોમાં લોકોની ચહલ-પહલ વચ્ચે કચ્છ સહિત ગાંધીધામ સંકુલમાં કોરોનાનો આંક ધીમે -ધીમે ઊંચકાઈ રહયો ત્યારે જાહેર સ્થળો તેમજ શાક લેવા જતા નાગરિકો અને શાક વેચતા વેપારીઓ અચૂકપણે માસ્ક પહેરી સામાજિક અંતર જેવા નિયમોનું પાલન કરે તેવો તંત્ર દ્વારા વધુ એક વખત અનુરોધ કરાયો છે.