નખત્રાણામાં માસ્ક નહીં પહેરનારા દંડાયા

નખત્રાણામાં માસ્ક નહીં પહેરનારા દંડાયા
નખત્રાણા, તા. 24 : નગરમાં વધતા જતા કોરોના સંક્રમણ સામે નિયમ પાલનની નબળાઇ હોવા બાબતે પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે આજે તંત્ર દ્વારા કડકાઇથી તપાસ હાથ ધરી માસ્ક વગર ફરતા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. સાંજે પણ મહેસૂલ પંચાયત અને પોલીસની ટીમો રસ્તા પર નીકળી હતી અને માસ્કનું વિતરણ તથા 21 જણને રૂા. 13000ના દંડનો ફટકાર લગાવ્યો હતો. પ્રાંત અધિકારીએ હવે સુધારો નહીં થાય તો ફોજદારી દાખલ કરવાની ચીમકી આપી હતી. નખત્રાણામાં અબડાસા પેટા ચૂંટણી બાદ વધતા જતા સંક્રમણ સામે સાવચેતીનાં પગલાં માટે અહીંની મુખ્ય બજાર, બસ સ્ટેશન, વથાણ વિસ્તાર જેવા જાહેર સ્થળો પર માસ્ક વગર ફરતા લોકો પર તંત્ર?દ્વારા રીતસર ધોંસ બોલાવવામાં આવી હતી અને સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો. વધતા જતા સંક્રમણ સામે કેટલાય સમયથી લોકો બેપરવાહ બની ગયા છે, નથી સોશિયલ ડિસ્ટન્સ જાળવતા કે નથી માસ્ક પહેરતા. તો સેનેટાઇઝિંગની વાત ક્યાંથી હોય ? બજારમાં કે જાહેર સ્થળોએ લારી-ગલ્લાવાળાઓ પાસે કે શાકભાજીવાળાઓ પાસે માસ્ક વગર લોકો આરામથી ફરતા હોય છે. નાસ્તાની લારીઓ, ગૃહો કે રેસ્ટોરન્ટમાં સફાઇ છે કે નહીં તે જોવાવાળું કોઇ જ નથી, તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું        હતું. ખરેખર તો લોકડાઉનના સમયમાં પ્રાંત ખુદ દુકાને-દુકાને બજારમાં જઇ વેપારીઓને સૂચના આપતા કે સામાજિક અંતર જાળવો, માસ્ક પહેરો નહીં તો દંડ?સાથે કાયદેસરની કાર્યવાહી થશે. પરંતુ આ વાત લોકો ભૂલી ગયા છે અને જાણે કોરોના છે જ નહીં... ડર જ નથી. પોલીસ દ્વારા બજાર અથવા જાહેર સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ ગોઠવી તંત્રને સાથે રાખીને લોકોને માસ્ક વગર બહાર ન ફરવા કડક સૂચના આપવી જોઇએ તેવી માગણી ઊઠી હતી. આજની કાર્યવાહીમાં ગ્રામ પંચાયત, પોલીસે સાથે રહી દંડની કાર્યવાહી કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer