ભુજમાં ચકલા પોપટના જુગારીઓ બેફામ : યુવાનને લોહીલુહાણ કર્યો

ભુજમાં ચકલા પોપટના જુગારીઓ બેફામ : યુવાનને લોહીલુહાણ કર્યો
ભુજ, તા. 24 : શહેરમાં ખુલ્લેઆમ ચકલા પોપટના આંકડાનો જુગાર લેવાઇ રહ્યો છે ત્યારે આ બદીને અટકાવનાર સામાજિક અગ્રણીના પુત્ર પર ચાર જુગારીઓએ પથ્થરથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખતાં ચકચાર પ્રસરી છે. નોંધનીય છે કે, પોલીસની જ મીઠી નજર તળે ચાલતા આ ચકલા પોપટના હાટડા આ બનાવના પગલે આજે બપોર બાદ બંધ થયાં હતાં. શહેરના સતત ધમધમતા વાણિયાવાડ પાસે જનતાઘર નજીકના કોમ્પ્લેક્સમાં સામાજિક અગ્રણી અને રેલવે સલાહકાર સમિતિના સદસ્ય એવા એ. વાય. આકબાની અને તેના પુત્ર તૌસિફ કાપડના જથ્થાબંધ વેપારની પેઢી ચલાવે છે. આજે બપોરે બનેલી ઘટના અંગે એ. વાય. આકબાનીએ આપેલી વિગતો મુજબ છેલ્લા છ માસથી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ઓનલાઇન યંત્ર વેચાણના લક્કી ડ્રોના નામે જુગારધામ ચાલે છે. અહીં દરરોજ દારૂડિયા-જુગારીઓ જેવા અસામાજિક તત્ત્વોનો જમાવડો થાય છે. ગઇકાલે આરોપી ભોલુ કુંભાર સીડી વચ્ચે ઊભો હતો ત્યારે આકબાનીએ દુકાનમાં મહિલા ગ્રાહકો આવતા હોવાથી સીડી પર ઊભા ન રહેવા જણાવતાં ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મનદુ:ખ રાખી આજે બપોરે ભોલુ તેમજ તેના અન્ય ત્રણ સાગરિતો આવી પહોંચ્યા હતા. પિતા-પુત્ર સામે ટુવાલમાં પથ્થર નાખી ગોફણ બનાવી તેમની સામે ઘુમાવી હતી. સાથી સાગરિતોએ છરી બતાવી ધાકધમકી કરી હતી. તૌસિફ પર વજનદાર પથ્થર ફેંકતાં તે લોહીલુહાણ થયો હતો. પગની આંગળી તથા આંખ આસપાસ ફ્રેકચર જેવી ઇજા પહોંચતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. એ. વાય. આકબાનીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસની મીઠી નજર તળે બેફામ ચાલતા આ ચકલા પોપટની આંકડાની બદી અંગે અગાઉ `કચ્છમિત્ર'એ પણ વિગતે અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે, પરંતુ થોડા દિવસ બંધ બાદ ફરી એ જ સિલસિલો ચાલુ રહે છે. આજની આ ઘટના બાદ આવા આંકડાના અડ્ડાઓ બંધ થઇ ગયાની વિગતો સાંપડી છે. હવે આ ઘટના બાદ જાગૃતો બદી પર રોક આવે તે જરૂરી માની રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer