કચ્છનો કિંમતી વારસો રસ્તે રઝળે છે

કચ્છનો કિંમતી વારસો રસ્તે રઝળે છે
નરેશ અંતાણી દ્વારા-
ભુજ, તા. 24 : કોઈ પણ પ્રદેશ કે શહેરના પ્રવાસન ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતા પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતા સ્મારકો, સ્થાનિક હસ્તકલા, પરંપરાઓ, લોકગીતો વગેરેનું યોગદાન પણ વિશેષ રહ્યું હોય છે. આથી તેના જતન અને સંરક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે એ માટે 19મીથી ર4મી નવેમ્બરના સપ્તાહને વિશ્વ વારસા સપ્તાહ તરીકે ઊજવવામાં આવે છે.વિશ્વ આજે વિશ્વ વારસા સપ્તાહને મનાવી રહ્યું છે ત્યારે આપણા સીમાવર્તી જિલ્લાના પ્રવાસન ઉદ્યોગમાં અને દેશના સાંસ્કૃતિક વારસમાં મહત્ત્વનું સ્થાન  ધરાવતી હડપ્પીય વસાહતો ઉપરાંત જિલ્લામાં ઠેર ઠેર આપણા અતીતને ઉજાગર કરતાં સ્મારકો, પાળિયા, મંદિર અને મસ્જિદો આ તમામની જાળવણી પ્રત્યે તંત્રની સાથે આપણી ઉદાસીનતા પણ ઓછી નથી. આપણે આપણા પુરાતત્ત્વીય વારસા માટે ગૌરવ લઈએ છીએ, પણ તેના જતન અને સંવર્ધન પ્રત્યે જાગૃતિનો અભાવ દેખાય છે અને સ્થાપત્યોની જાળવણી તરફ તંત્રની  નિષ્કાળજી પણ માફ કરી શકાય એવી નથી.  કચ્છમાં ઠેર ઠેર રહેલા ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સ્મારકો આ પ્રદેશને વિશ્વસ્તરીય પ્રવાસીઓ મેળવી આપવામાં નિમિત્ત બન્યા છે.  આ સ્મારકોના જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને રક્ષિત જાહેર કર્યાં છે, આ બન્ને મંત્રાલયો  હસ્તક જુદા જુદા સ્મારકોના જતન અને રક્ષણની જવાબદારી છે. ભારત સરકાર હસ્તકના સ્મારકોમાં ધોળાવીરા સહિતની કેટલીક હડપ્પીય વસાહતો ઉપરાંત ભુજ શહેરની લખપતજીની  છતરડી તથા ભુજ તાલુકાના કોટાય મંદિરનો સમાવેશ થાય છે  જ્યારે બાકીના તમામ સ્મારકો રાજ્ય સરકાર હસ્તક છે. તેના જતન માટે રાજ્યના પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાની ખાસ અધીક્ષકની કચેરી આવેલી છે. કચ્છના  રાજ્ય સરકાર હસ્તકના સ્મારકોની હાલત અત્યંત દયનીય છે તેના જતન  તથા સંરક્ષણ માટે  અત્યારે કોઈ  વ્યવસ્થા નથી ! આ સ્મારકોના જતનની જવાબદારી જેમના શિરે છે  તેવી અધીક્ષકની કચેરી જ ખુદ અત્યારે અસુરક્ષિત છે ત્યારે કચ્છના આ સ્મારકોની  વર્તમાનમાં કેવી હાલત છે તેની તસવીરો જોતાં આ સ્મારકોના ભાવિ અંગે ચિંતા થાય એમ છે. કચ્છના પુરાતત્ત્વ અને સમૃદ્ધ વારસાના રીતસર પ્રેમમાં પડી ગયેલા  મૂળ આંધ્ર પ્રદેશના વતની ડો. કૌટિલ્ય ચૌધરી વારંવાર કચ્છના પ્રવાસે આવે છે. હાલમાં પણ તેઓ કચ્છના પ્રવાસમાં જ છે એ દરમ્યાન બે દિવસ પહેલાં જ તેમણે વાગડ વિસ્તારના સ્મારકોની મુલાકાત લઈ સ્મારકોની હાલત જોઈ દુ:ખ વ્યકત કર્યુ હતું અને જનતાને આ સ્મારકો પ્રત્યે જાગૃતતા કેળવવા વિનંતિ કરી હતી. તેમણે લીધેલી તસવીરો જ તેની દયનીય હાલતની ગવાહી આપે છે. તેઓ કંથકોટ કિલ્લામાં આવેલા સૂર્યમંદિર તથા જૈન મંદિર જોવા ગયા  ત્યારે  ભૂકંપમાં ધ્વસ્ત થયેલા આ બન્ને મંદિરોના અવશેષો સાચવવા કે જાળવવાની કોઈ દરકાર રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ લીધી નથી તે નજરે પડતું હતું.  સૂર્યમંદિરની જગતી (પ્લીંથ) બાવળના ઝુંડમાંથી શોધી મળે તેમ નથી તેમ તેના શિલ્પો ઠેર-ઠેર વેરવિખેર હાલતમાં પડયા છે  તે તસવીરમાં નજરે પડે છે. જૈન મંદિરનું શિખર, તેના શિલ્પો  અને શિલાઓ પણ જમીન પર પડેલા જોવા મળે છે. ડો. કૌટિલ્યે અંજારના મેકમર્ડોના બંગલાની મુલાકાત લીધી ત્યારે તો તેઓ તેની હાલત જોઈ  રીતસર દ્રવી ઉઠયા હતા.  તેમના જણાવ્યા અનુસાર મેકમર્ડોના બંગલાની કોઈ પણ પ્રકારની સુરક્ષા સ્થળ પર જોવા મળતી ન હતી. બંગલાની દીવાલમાં ખીલા લગાડી તેનો ઉપયોગ કપડાં સૂકવવા માટે કરાતો હતો, તો બંગલાના દરવાજાઓ તૂટેલી હાલતમાં હતા તેમાંથી કોઈ પણ વ્યકિત આસાનીથી અંદર પ્રવેશી શકે તેમ છે અને તેમાં રહેલાં પ્રાચીન કચ્છી કમાંગરીના ચિત્રોને નુકસાન પહોંચાડી શકે તેમ છે. તેઓ ખુદ આ તૂટેલા દરવાજામાંથી અંદર પ્રવેશી શકયા હતા અને અંદર રહેલા ચિત્રોની તસવીરો પણ મેળવી હતી. બંગલાની અંદર ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળતા હતા. જો સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં ન  આવે તો આ તૂટેલા દરવાજાને કારણે બંગલાની અંદર ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ જાય તો નવાઈ નહીં ! આવી જ હાલત ભુઅડના ભુઅડેશ્વર મંદિરની છે. તેના શિલ્પો અને શિલાઓ હવે વેરવિખેર થવા લાગી છે. તેની પણ જો સમયસર જાળવણી કે સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેના અમૂલ્ય શિલ્પો ત્યાંથી પગ કરી જવાની પૂરી સંભાવના રહી છે. આમ, કચ્છની આ ધરોહરની સુરક્ષા માટે તંત્ર કે પ્રજા જો હવે જાગૃત નહીં થાય તો આવનારી પેઢી આપણા આ વારસાથી વંચિત રહી જવાની છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer