મમુઆરા પાસે ટ્રકે બાઇકસવાર ત્રણ યુવાનને હડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત

મમુઆરા પાસે ટ્રકે બાઇકસવાર ત્રણ યુવાનને હડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત
ભુજ, તા. 24 : તાલુકાના મમુઆરા પાસે આજે સાંજે ટ્રકે બાઇકસવાર ત્રણ પરપ્રાંતીય યુવાનને હડફેટે લેતાં તેઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. આ ત્રણે યુવાનો વિવિધ મિનરલ્સ કંપનીઓમાં મજૂરીકામ કરતા હતા.આ કરુણ અકસ્માતમાં બાઇકસવાર સાગો ઉર્ફે સાગર જોતિયા ડામોર (ઉ.વ. 25), કાલિયાભાઇ નાથેણી ડામોર (ઉ.વ. 24) (બંને રહે. મૂળ સિલવાણિયા, જિ. જામ્બુઆ-મધ્યપ્રદેશ) અને શંકર કરશન નિનામા (ઉ.વ. 23)?(રહે. મૂળ ઢેબર, જિ. જામ્બુઆ-મધ્યપ્રદેશ)નું કરુણ મોત નીપજ્યું છે. આ ત્રણે યુવાનો આજે સાંજે ચારેક વાગ્યાના અરસામાં બાઇક નં. જી.જે. 12 સી.જે. 0805 પર સવાર થઇને મમુઆરા પાટિયાથી ધાણેટી તરફ જતા માર્ગે જઇ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રક નં. જી.જે. 12 એ.ડબલ્યુ. 6779એ હડફેટે લેતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિકથી સતત ધમધમતા એવા ભુજ-ભચાઉના ધોરીમાર્ગ પર આવેલી પ્રિન્સ પાઇપ પાસે સર્જાયેલા આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અકસ્માતના લીધે માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો. પદ્ધર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer