ચોથા દિવસે બાંડિયાની પવનચક્કીએ વધુ એક રાષ્ટ્રીય પક્ષીનો ભોગ લીધો

ચોથા દિવસે બાંડિયાની પવનચક્કીએ વધુ એક રાષ્ટ્રીય પક્ષીનો ભોગ લીધો
નલિયા, તા. 24 : પવનચક્કીના વીજવાયરો પશુ-પક્ષીઓ માટે જીવલેણ બની રહ્યા હોય તેમ વારંવાર વીજલાઇન સાથે પક્ષીઓ અથડાતાં મોતને ભેટે છે. ત્રણેક દિવસ અગાઉ બાંડિયામાં પવનચક્કીના વીજવાયરોએ રાષ્ટ્રીય પક્ષી મોરનો ભોગ લીધો હોવાના સમાચાર તાજા છે ત્યાં ફરી પાછું બાંડિયાની જ સીમમાં દક્ષિણ?બાજુ બાંવણબંધ પાસે પવનચક્કીના વીજવાયરમાં વધુ એક રાષ્ટ્રીય પક્ષી મોર અથડાતાં તેનું મોત થયું હતું. અદાણી પાવર ગ્રીન એનર્જીની પવનચક્કી અને તેના વાયરો બાંડિયાની સીમમાંથી પસાર થાય છે. ગામના અગ્રણી સચિનસિંહ જાડેજાના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય પક્ષી મોરનાં મોત અંગે જંગલ ખાતાને જાણ કરાઇ હતી. જંગલ ખાતાના અધિકારીઓ સ્થાનિકે સાંજે આવ્યા તો ખરા પણ પંચનામું આવતીકાલે કરશું તેવું ગ્રામજનોને જણાવ્યું હતું અને કંપનીવાળાએ રાતોરાત તારમાં લટકતા મોરને ઉતારી મૃતદેહ સગેવગે કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તાજેતરમાં જ બાંડિયાની સીમમાં મોરનાં મૃત્યુનો ઉપરાઉપરી બીજો બનાવ છે. ગ્રામજનોની ભૂગર્ભમાંથી પવનચક્કીના કેબલ નાખવાની માગણી છે. એટલું જ નહીં વખતોવખત પવનચક્કીના થાંભલા અને કેબલમાં રાષ્ટ્રીય પક્ષી મોર અથડાતાં મોતને ભેટે છે. અગાઉ દલિત અધિકાર મંચે મામલતદારને આવેદનપત્ર?પણ?આપ્યું હતું. અબડાસામાં જે જે વિસ્તારમાં મોર મુક્ત અને વિચરતા હોય તેવા વિસ્તારમાં પવનચક્કીઓ નાખવામાં ન આવે અથવા ભૂગર્ભ કેબલ પાથરવામાં આવે તો રાષ્ટ્રીય પક્ષી મોરની સલામતી જળવાશે. અબડાસાના ત્રીસેક ગામોમાં મોરની વસ્તી નોંધપાત્ર છે એવા વિસ્તારને મોર માટે રક્ષિત જાહેર કરવાની પણ માગણી ઊઠી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer