કબરાઉમાં વંચિત તબક્કાના બાળકો માટે મૌલિક અધિકારોની જ્ઞાનપ્રદ શિબિર

ભચાઉ, તા. 24 : તાલુકાનાં કબરાઉ ગામે 40 જેટલા આ વિસ્તારના વંચિત તબક્કાના બાળકોને માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે. રમત-ગમત આરોગ્ય શિક્ષણ-પર્યાવરણ સ્વચ્છતા બાળ અધિકાર મૌલિક અધિકારોનું જ્ઞાન -માહિતી અપાઈ રહી છે. જન સેવા કેન્દ્ર તથા શિક્ષા સ્વાસ્થ્ય સેવા સમિતિ ન્યૂ દિલ્હી દ્વારા -આદર્શ નિવાસી શાળા કચ્છ વિભાગ કબરાઉના બાળકો માટે આયોજન કરાયું હતું. વંચિત તબક્કાના અને અનાથ આશ્રમના બાળકો માટે તેમનામાં આવડત કૌશલ્ય વિકાસ અને સામાજિક સક્ષમ બની મૌલિક અધિકારો મેળવતા થાય તે માટે તજજ્ઞો તરફથી વિવિધ વિષયો પર ત્યાં વર્ગો લેવામાં આવે છે. આરોગ્ય-પોલીસ અધિકારીઓ સહભાગી બને છે. પ્રારંભ પાંકડસર જગ્યાના મહંત કૃષ્ણનંદજી, નીલ વિઝોડા, મોહન મેરિયાએ કરાવ્યો હતો. આ પ્રસંગે આદર્શ નિવાસી શાળાના શ્રી ધોળકિયા, શ્રી પટેલ, શ્રી ચૌધરી, તેમજ અતુલ કાંઠેચાનું વનીતા જાદવ, મમતા કાંઠેચા, નીતા જાદવ આરોગ્ય અધિકારી કૌશિકભાઈ સુતરિયા વગેરે હાજર રહ્યા હતા.