નલિયાની બજારોમાં વેપારીઓ અને મતદારોનો ધારાસભ્યે આભાર માન્યો

નલિયા (તા. અબડાસા), તા. 24 : વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી થયા બાદ નલિયામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દરેક વેપારીઓ અને મુખ્યબજારોમાં લોકોનું અભિવાદન કરી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યશ્રી જાડેજાએ જૂના નલિયા ખાતે આવેલા પાળિયા દાદા સ્થાનની મુલાકાત લીધી હતી. પાળિયા દાદા વિકાસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજાએ પાઘડી પહેરાવી જ્યારે સમિતિ દ્વારા શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી સન્માન્યા હતા. સમિતિ દ્વારા રસ્તા, પાણી યોજના, મજદૂર હોમ, વન કુટિર, પર્યટનધામ તરીકે વિકાસ માટે માંગ કરી હતી જે દરેક તરતમાં ઉકેલાઈ જશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે છત્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ નલિયા અને વાયોરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સુખદેવસિંહ જાડેજાએ કર્યું હતું. ધારાસભ્યે અબડા દાદા દ્વારા સર્કલ તેમજ બાબાસાહેબ આંબેડકરના પૂતળાને હારારોપણ કર્યું હતું.