સહિયારું અભિયાન : 86 લેણદારને રૂા. અઢી કરોડના ચેકનું વિતરણ

સહિયારું અભિયાન : 86 લેણદારને રૂા. અઢી કરોડના ચેકનું વિતરણ
મુંબઇ, તા. 24 : (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છી વીશા ઓસવાળ સમાજના કરોડો રૂા.ના નાણાકીય ગૂંચવાડાને ઉકેલવા કોરોનાકાળમાં પણ કચ્છી સાહિયારું અભિયાને ઝુંબેશ ચાલુ રાખી છે. જેનાં પગલે આજે મંગળવારે બપોરે લેણદારોને ચેક દ્વારા વિતરણ કરાયું હતું. સહિયારું અભિયાનની ઓફિસમાં જલારામ જ્યોત (માલિક દિલીપભાઇ મહેતા)ના 86 લેણદારને 2.5 કરોડ રૂા. સુધીના પાર્ટ પેમેન્ટનું આજે ચેક સ્વરૂપે વિતરણ કરાયું હતું. ચેક વિતરણ કાર્યમાં ટ્રસ્ટી કિશોરભાઇ સાવલા, ભૂપેન્દ્ર ગોસર, સી.એ. જિગ્નેશ દેઢિયા, નાણાં દલાલ નીલેશ ભારાણી અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ પૈસા લેણદારોને ફોરેન એજ્યુકેશન કે અન્ય જરૂરિયાતો માટે ઉપયોગી થશે. આ માહિતી આપતાં અનિલ ગાલા (વડાલા) અને ધીરજ છેડા (એકલવીર)એ જણાવ્યું હતું કે, અભિયાને કોરોનાકાળમાં પણ દેવાદારો પાસેથી નાણાં વસૂલવાની કામગીરી ચાલુ રાખી છે. પૈસા હાથમાં આવે સાથે જ પાર્ટીના લેણદારોને વહેંચી દેવામાં આવે છે, જે દેવાદારો સહયોગ આપે છે સહિયારું અભિયાન તેમની સાથે છે અને જેમની દાનત સારી  નથી તેમની હાલત કેવી થાય છે એ પણ સૌ જુએ છે. કંપની કે ધંધા માત્ર કાગળ પર હોય એમ ખોટી રીતે લોકો પાસેથી પૈસા ભેગા કર્યા હતા અને હજી પણ સહિયારુંને સાથ આપતા નથી, તેમની સામે કાયદાથી કામ લીધા સિવાય બીજો કોઇ રસ્તો નથી. કોઇ દેવાદારોને મિલકત વેચવી હોય તો સહિયારું અભિયાન સહયોગ આપવા તૈયાર છે. વડીલો અને વિધવા બહેનોની મરણમૂડી લીધી હોય જે પાછી આપશે નહીં ત્યાં સુધી સહિયારું અભિયાન જંપીને બેસશે નહીં એમ પણ તેમણે જણાવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer