મોરબીના શિક્ષિત નાગરિકે પત્નીનાં અંગો દાનમાં આપ્યાં

ગાંધીધામ, તા. 24 : મોરબીના શિક્ષિત નાગરિકના પત્ની બ્રેઇન હેમરેજ થતાં તેમણે અન્યોનું જીવન બચાવવા પત્નીના અંગોનું દાન આપવાનો નિર્ણય લીધો હતો. મોરબીમાં સનહાર્ટ સિરામિકમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઈ માહોતાના 42 વર્ષીય પત્ની મોનાલિસાબેન પુત્રી અનુપમા સાથે ખરીદી કરી ઘર પરત આવતાં થોડી તબિયત બગડી. મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં વધુ સારવાર માટે પહોંચ્યા ડો. જોગણીએ વધુ તપાસ કરતાં માલૂમ થયું કે તેઓને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે. બે દિવસની સારવાર કરવા છતાં કોઈ સુધારો ન થયો અને અંતે ન્યુરોફિઝિશ્યન ડૉ. કેતન ચુડાસમા, ન્યુરોસર્જન ડૉ કાર્તિક મોઢા, ઇન્ટેન્સિવિસ્ટ ડૉ ચિરાગ માત્રાવડિયા સહિત તબીબોની ટીમે બ્રેઈનડેડ જાહેર કર્યા. અલ્કેશભાઈ એક શિક્ષિત અને જાગૃત નાગરિક હોવાથી આવી દુ:ખની ઘડીમાં પણ તેઓએ એમનાં પત્નીના અંગદાન કરવાનો નિર્ણય લીધો. તેમના 19 વર્ષનાં દીકરી અનુપમાબેન, બહેન મધુલિકાબેન તથા સંબંધીઓ નુકુલભાઈ, મનવેન્દ્રભાઇ, મિતેન્દ્રભાઈ વગેરે સહકાર આપ્યો હતો. માનવતાની મહેક ઉભરાવવા હૃદય સહિત બધા અંગો માટે સહમતી આપી. અંગદાનનો નિર્ણય લેવાની સાથે જ હંમેશાં અંગદાન માટે સેવા કરવા હંમેશા તૈયાર રહેતા નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ દિવ્યેશ વિરોજાએ પ્રક્રિયામાં મહેનત કરી રાજકોટનું 89મું અંગદાનનું ઓપરેશન અમદાવાદની કિડની હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે સંકલન કરી પૂર્ણ કર્યું હતું. ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડો વિશાલ ભાલોડીએ સરકારના અંગદાન વિભાગની સાથે સંકલન કર્યું હતું. લિવર, બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ થી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું હતું. અને ચક્ષુદાનથી બે વ્યક્તિને દ્રષ્ટિ મળશે. બંગાળી સમાજના અલ્કેશભાઈ એ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સમાજસેવક ભાવનાબેન મંડલી તથા મિતલભાઈ ખેતાણી સાથે વાત કરતાં દુ:ખ સાથે કહ્યું કે હવે હું મારી ઓળખ મોનાલિસાના પતિ તરીકે આપીશ.