રોહિત-ઇશાંત પહેલી બે ટેસ્ટમાંથી આઉટ
નવી દિલ્હી, તા. 24 : ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડયો છે. આક્રમક ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા પૂરી રીતે ફિટ નથી. આથી આ બન્ને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના શરૂઆતના બે ટેસ્ટ મેચની બહાર થઇ ગયા છે. શ્રેણીના આખરી બે ટેસ્ટમાં પણ બન્નેનું રમવું શંકાસ્પદ માનવામાં આવે છે. આ બન્ને ખેલાડીનો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં પાછળથી સમાવેશ કરવામાં આવ્યો હતો. બન્ને બેંગ્લુર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ફિટેનસ ટ્રેનિંગમાંથી હાલ પસાર થઇ રહ્યા છે. રોહિત-ઇશાંતની ફિટનેસ પર એનસીએની મેડિકલ ટીમ નજર રાખી રહી છે. આ બારામાં બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે રોહિતને ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસે જવાની મંજૂરી મળવાની શકયતા છે. કારણ તે હાલ પૂરી રીતે ફિટનેસ હાંસલ કરી શકયો નથી. જ્યારે ઇશાંત શર્મા ટી-20 ફોર્મેટ પૂરતો ફિટ છે. તે 4 ઓવર તો કરી શકે છે, પણ ટેસ્ટમાં લાંબા સ્પેલ માટે તે હજુ ફિટ નથી. બન્ને પર એનસીએની મેડિકલ ટીમ ટૂંક સમયમાં આખરી નિર્ણય પર પહોંચી શકે છે. રોહિત જો 8 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા રવાના થશે તો તેને બે સપ્તાહ કવોરન્ટાઇનમાં રહેવું પડશે. આથી તે ત્યાં 22 ડિસેમ્બરથી અભ્યાસ કરી શકશે. બીજી તરફ સુકાની વિરાટ કોહલી પેટરનીટી લીવ પર પ્રથમ ટેસ્ટ બાદ પરત ફરી રહ્યો છે. આથી ટેસ્ટ ટીમમાં શ્રેયસ અય્યરનો સમાવેશ થઇ શકે છે. જે વન ડે અને ટી-20 ટીમનો પહેલેથી જ હિસ્સો છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ રોહિત અને ઇશાંત શર્માની ફિટનેસ પર આશંકા વ્યકત કરી હતી. તેમણે કહ્યંy હતું કે જો બન્નેએ ટેસ્ટ સિરિઝમાં રમવું હશે તો ચાર-પાંચ દિવસમાં ઓસ્ટ્રેલિયા પહોંચવું પડશે. રોહિતને હેમસ્ટ્રિંગ ઇન્જરી અને ઇશાંતને સાઇડ સ્ટ્રેન ઇન્જરી (બન્ને ઇજા સ્નાયૂ ખેંચાઇ જવાની ) છે. આથી બન્ને એનસીએમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યા છે.