આકાશવાણીનાં ભુજ સહિતનાં અનેક કેન્દ્રો બંધ કરવાના નિર્ણયનો અમલ `મોકૂફ''
ભુજ, તા. 24 : આકાશવાણીનું માત્ર ભુજ કેન્દ્ર જ નહીં, પણ દેશભરના અનેકાનેક કેન્દ્રોનું કદ ઘટાડી દેવાનો સૈદ્ધાંતિક નિર્ણય ઉચ્ચકક્ષાએથી લેવાયો છે, પરંતુ હવે અખબારી હોબાળાને પગલે અમલીકરણ અટકાવીને અલગ જ ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થતો હોવાની વિગતો સાંપડી છે અને તેથી જ ભુજ કેન્દ્ર સહિતના કોઈ કેન્દ્રનું પ્રસારણ હજુ બંધ થયું નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે, ભુજ સહિતના કેન્દ્રો ચાલુ જ રહેશે એવી ખાતરી હજુ સત્તાવાર રીતે નથી અપાઇ. કચ્છ જેવા સરહદી વિસ્તારમાં દેશની સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત વ્યુહાત્મક મહત્ત્વતા ધરાવતાં આકાશવાણીનાં ભુજ કેન્દ્રને બંધ કરવાની કાર્યવાહી ઉચ્ચકક્ષાએથી જ હાથ ધરાઈ છે, પરંતુ અખબારી હોબાળા તથા ખૂબ જાગૃત સાંસદનાં પત્રવ્યવહારને પગલે એ નિર્ણયનો અમલ હાલ તુરંત અટકાવવાની ફરજ પડી છે. જો કે ભુજ કેન્દ્ર ભવિષ્યમાં સદંતર બંધ નહીં થાય તેવો નિર્ણય હજુ જાહેર ન કરાતાં શંકા-કુશંકાઓ પણ પ્રવર્તી રહી છે. કચ્છની પ્રાદેશિક ઓળખ પ્રસ્થાપિત કરવામાં મોટી ભૂમિકા ભજવતાં આકાશવાણીનાં ભુજ કેન્દ્રનું પ્રસારણ બંધ થવા અંગે આકાશવાણી મહાનિર્દેશાલય તરફથી કોઈ જ આદેશ આપવામાં આવેલો નથી કે આ અંગે કોઈ ગતિવિધિ હાલમાં ચાલુ નથી. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં રાત્રે 8 વાગ્યા પછીના કાર્યક્રમો પણ પૂર્વવત થશે તેવી લેખિત ખાતરી કાર્યક્રમ અધ્યક્ષ જયેશ રાવલે એક અખબારી યાદીમાં આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ કેન્દ્ર સહિત દેશના અનેક કેન્દ્રો બંધ કરવાના નિર્ણયની અમલવારી પર કાયમી ચોકડી મુકાય અને તેની જાહેરાત કરવામાં આવે તેવી આકાશવાણી પ્રિય શ્રોતાઓની માંગ છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ રાત્રે 8 વાગ્યા પછીના પ્રસારણ થશે તો આખા દિવસના પ્રસારણોનું શું ? એવો સવાલ પણ પુછાય છે.