રાપરમાં ત્સ્ત્રીધન પરત નહીં કરી વિશ્વાસઘાત કરનારા બેની અટક

ગાંધીધામ,તા.24: રાપરમાં રહેતા શિક્ષક એવા આધેડે પોતાના વેવાઈ અને જમાઈ વિરુધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં બંને આરોપીઓની ધરપકડ બાદ બંને જામીન ઉપર છૂટી ગયા હતા. રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતા સૂર્યશંકર લક્ષ્મીશંકર ગોરે પોતાના જમાઈ એવા ચિંતન હસમુખલાલ વ્યાસ અને વેવાઈ હસમુખલાલ શાંતિલાલ વ્યાસ વિરુધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીએ પોતાની દીકરીને ત્રીધનમાં સોના, ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા આપ્યા હતા. આ આરોપીઓ તેમની દીકરીને રાપર પિતાના ઘેર પરત મૂકી ગયા બાદ ત્રીધન પરત આપી દેવા જણાવ્યું હતું. પરંતુ અનેક વખત આ વસ્તુઓની માંગ કરવા છતાં આ આરોપીઓ તે વસ્તુઓ પરત આપતા નહોતા. જેના કારણે સૂર્યશંકરભાઇએ આ બંને વિરુધ્ધ પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવેલી આ ફરિયાદના બનાવમાં આઠ મહિના બાદ આરોપીઓની હાલમાં અટક કરવામાં આવી હતી. આ બંનેને કોર્ટમાં રજૂ કરાતાં બંનેને જામીન ઉપર મુકત કરવામાં આવ્યા હતા. આ બનાવની તપાસ કરતા  પી.એસ.આઈ. એચ.એમ. પટેલનો સંપર્ક કરતાં આ પ્રકરણમાં કેટલું ત્રીધન પરત મેળવાયું છે તે હાલમાં કહી શકાય તેમ ન હોવાનું અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer