વાગડની બે વાંઢમાં વીજળી વિના શિક્ષણ ઠપ
ગાંધીધામ,તા.24:દેશ અને દુનિયા 21મી સદીમાં આવી ગયા છે. અત્યાધુનિક યુગમાં લોકો જીવી રહ્યા છે પણ કચ્છના વાગડ પંથકની અમુક વાંઢોમાં લોકો હજુ પણ વીજળીના અભાવે 18મી સદીમાં જીવી રહ્યા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. આ પંથકની ખડાવાંઢ અને ભીમગુડાવાંડના લોકોએ 10 વર્ષ પહેલાં વીજ જોડાણ માટે અરજી કરી પૈસા પણ ભરી દીધા હોવા છતાં સરકારી અધિકારીઓ આ લોકોની સમસ્યાનો નીવેડો લાવતા નથી. દેશ દુનિયા જેટ ગતિએ આગળ વધી રહી છે પરંતુ વાગડ પંથકની અનેક વાંઢોમાં વીજળીના અભાવે અહીંના બાળકો શિક્ષણથી વંચિત બની રહ્યા છે. રાપર તાલુકાના ત્રંબૈના તાબા હેઠળના ખડાવાંઢ અને ભીમગુડાના લોકો આવી સમસ્યાથી વાજ આવી ગયા છે. ખડતરવાંઢથી ભીમગુડા પ્રાથમિક શાળા જતાં રોડને અડીને 200થી 300 મીટરના અંતરે 40થી 45 રહેણાક મકાનો આવેલાં છે. આ બંને વાંઢના લોકોએ દશેક વર્ષ અગાઉ વીજ કચેરીમાં મીટર, વીજ જોડાણ માટે અરજી કરી છે. અને માંગ્યા મુજબના ફી પેટેના પૈસા પણ ભરી નાખ્યા છે. તેમ છતાં દશ વર્ષ થવા આવ્યા પરંતુ આ વાંઢોને હજુ પણ અંધારા ઉલેચવાં પડે છે. અહીંની સરકારી પ્રાથમિક શાળામાં પણ વીજળી નથી આપવામાં આવતી. હાલમાં સરકારના નવા પરિપત્રો પ્રમાણે શાળાઓમાં શિક્ષણ ઓનલાઈન ચલાવવામાં આવે છે. પરંતુ અહીંની શાળાઓમાં વીજળી જ નથી આપવામાં આવતી તો બાળકો ઓનલાઈન શિક્ષણ કેમ મેળવે તે પ્રશ્ન છે. વીજ તંત્રના આવા આળસી અને પક્ષપાતભર્યા વલણના કારણે અહીંના બાળકો દેશ દુનિયાના અન્ય બાળકો સાથે શિક્ષણ મેળવી શકતા નથી. અહીંના બાળકોનું ભવિષ્ય વીજ તંત્રના વાંકે અંધકારમય બન્યું છે. અહીંના રહેણાક મકાનો અને સરકારી શાળામાં જયોતિ ગ્રામ યોજના હેઠળ 14 કલાક વીજ જોડાણ આપવા અહીંના લોકોએ અગાઉ અનેક વખત સરકારી તંત્રોને રજૂઆત કરી છે. પરંતુ બહેરા તંત્રના કાને આ બાળકોનો અવાજ ગમે તે કારણે પહોંચતો નથી. આ અંગે અગાઉ લોકસંવાદ સેતુ લોકદરબારમાં લોકોએ તથા શાળા સમિતિએ પણ રજૂઆતો કરી છે. મુખ્યમંત્રી, જિલ્લા સમાહર્તા સહિતના ઉપરી અધિકારીઓને આ અંગે રજૂઆત કરી આ સમસ્યાનો નિવેડો લાવવા અહીંના લોકોએ વધુ એક વખત માંગ કરી હતી.