પચ્છમ-પાશી માટે ખાવડામાં એક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આપો

મુસા સુમરા દ્વારા- સુમરાપોર (તા. ભુજ), તા. 24 : તાલુકાના સરહદી પચ્છમ-પાશી વિસ્તારના લોકો મુખ્યત્વે પશુપાલન તેમજ વરસાદ આધારિત સૂકી ખેતી પર આજીવિકા માટે નિર્ભર છે. પણ ધરતીપુત્રો માટે હવે આ સૂકી ખેતી પણ અનેક મુશ્કેલીઓ લાવી રહી છે. જો કે, અનેકવિધ સમસ્યાઓથી ઝઝૂમીને પણ વારસાગત ખેતી સાથે નાતો કાયમ રાખ્યો છે. સતત વરસતા વરસાદ વચ્ચે મોટાપાયે ખેતીનું ધોવાણ થયું. કમોસમી-માવઠાનો માર પણ પડયો. રહી સહી ખેતી આ વરસે સારી થશે એના અરમાનો પર તમામ રીતે પાણી ફરી વળ્યું. આ વરસે માત્ર?25 ટકા જ ઉપજ આ પાંચાડામાં થતાં ખેડૂતોને મોટો ફટકો પડયો છે અને આજીવિકા પર ખૂબ જ ગંભીરપણે અસર થશે. પણ આની વચ્ચે ખેતીના ધોવાણના પી.એમ. કિસાન યોજનામાં નુકસાની સહાય પેટે રૂા. 20 હજારની આર્થિક સહાય ખૂબ જ આશીર્વાદરૂપ ગરીબ ખેડૂતોને સાબિત થઇ?રહી છે. અહીંની સારી જમીનો હોવાથી સારા વખતમાં જો કોઇ મોટી નુકસાની ન થાય તો સારા એવા પાકનું ઉત્પાદન થાય છે જેમાં પચ્છમ-પાશીમાં કુલ ત્રણ હજાર ટનથી વધુ ખેતપેદાશ થાય છે. પણ સ્થાનિકે માલની કોઇ બજાર ન હોવાથી વેચાણમાં પૂરતા ભાવો ન મળવાના કારણે સારું ઉત્પાદન થવા છતાં વેચાણમાં મોટાપાયે મુશ્કેલીઓ સર્જાય છે. પચ્છમ પંથકને મુખ્યમથક ખાવડા ખાતે એ.પી.એમ.સી. સબ સેન્ટર જો તંત્ર તરફથી ખેડૂતોની કાયમી મુશ્કેલીઓ દૂર કરવા ફાળવાય તો આ પંથકના હજારો ખેડૂતો માટે આ એ.પી.એમ.સી. સબ સેન્ટર આશીર્વાદરૂપ બનશે અને અનાજના ભાવોમાં દરરોજની વધ-ઘટ અને મોટાપાયે ભાવોના તફાવતથી ખેડૂતવર્ગ જે વરસોથી લૂંટાઇ રહ્યો છે તેનાથી કાયમીપણે છુટકારો મળશે એવું ખેડૂતો કહી રહ્યા છે. ખેતી કરતા નાના-મોટા 60 ગામો છે જ્યાં મોટાપાયે અથવા છૂટીછવાઇ ખેતી થઇ રહી છે અને આવા ખેડૂતો દર સારા વખતમાં અંદાજિત 3000 ટનથી વધુ ઉપજ લઇ રહ્યા છે. મુખ્યત્વે કઠોળ, મગ, મઠ, એરંડા, ઇસબગુલ, રાયડો, બાજરી, તલ, ગુવાર વગેરે જેવા ધાન્ય પાકોનું સારું એવું ઉત્પાદન થઇ?રહ્યું છે. દર વરસે 10 કરોડથી વધુનો માલ આ પંથકમાં વેચાય છે. આટલા ઉત્પાદનથી વધુ આવક વધારવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખેડૂતોને હજી ખેતી પદ્ધતિમાં ઘણા સુધારા ને વધારા કરવાની જરૂર છે. પરંતુ તંત્ર?તરફથી જેટલું ખેડૂતોને માર્ગદર્શન મળવું જોઇએ તેટલું મળતું ન હોવાનું આ પાંચાડાના અભણ ખેડૂતો જણાવી રહ્યા છે. ખેતી વિષયકમાં નવા નવા સંશોધનો તેમજ ખેતી પદ્ધતિમાં સુધારા-વધારાની પચ્છમના ખેડૂતોને પૂરતી જાણકારી મળતી નથી. જો પચ્છમ-પાશી માટે માર્કેટયાર્ડનું સબ સેન્ટર મુખ્યમથક ખાવડામાં ફાળવાય તો ખેતીને લગતી તમામ નાની-મોટી જાણકારીથી પચ્છમનો ખેડુ વાકેફ બની પોતાની અવનવી ખેતીમાં સુધારો લાવી હાલ કરતાં પણ વધારે બમણું ઉત્પાદન મેળવી અને સારા એવા બજારભાવ મેળવી દર વરસે પોતાની રોજી-રોટીના આવકનાં સ્રોતમાં વધારો કરી શકે તેવું અગ્રણીઓનું કહેવું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer