બદલીના વધ-ઘટ કેમ્પમાં શિક્ષકોને માતૃ સંસ્થાનો લાભ આપો
ભુજ, તા. 24: આગામી બદલીના વધ-ઘટ કેમ્પ પહેલાં શિક્ષકોને માતૃ સંસ્થાનો લાભ આપવા તેમજ અન્ય પ્રશ્નો અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. એમ. પ્રજાપતિને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ ગયા વધ-ઘટ કેમ્પમાં બદલી પામેલા શિક્ષકોને આગામી વધ-ઘટ કેમ્પ પહેલાં માતૃ સંસ્થાનો લાભ મળે તે માટે પસંદગીની તક આપવા,સી.આર.સી./બી.આર.સી.ના રાજીનામાં મંજૂર થઇ ગયા હોઇ પ્રતિનિયુક્તિ રદ પામેલા સી.આર.સી./બી.આરસી.ને વધ-ઘટ પહેલાં શાળા પસંદગીની તક આપવા, એચ. ટાટ ઓવર-સેટઅપ થયેલા મુખ્ય શિક્ષકેને મૂળ શાળાનો લાભ આપવા, વેકેશન દરમ્યાન આવતી બે રજાઓના બદલે અન્ય બે રજા ગોઠવી આપવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી. આ રજૂઆતમાં શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ આહીર, હરિસિંહ જાડેજા, નીલેશ ગોર, મેહુલ જોશી વગેરે જોડાયા હતા.