કોરોના રિકવરીમાં કચ્છ રાજ્યમાં ઘણું પાછળ
ભુજ, તા. 24 : રાજ્યમાં નબળો પડેલો કોરોના કહેરનો ગ્રાફ દિવાળીના તહેવાર બાદ ચિંતાજનક રીતે ઊંચકાયો છે.રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ વિવિધ કારણોસર કોરોનાના કેસમાં 46 ટકાનો વધારો થયો છે. ત્યારે રિકવરી રેટ એટલે કે કોરોનાથી સાજા થવાના દરમાં કચ્છ રાજ્યમાં 22મા ક્રમાંકે હોવાનું સત્તાવાર રીતે પ્રાપ્ત આંકડા પરથી જાણવા મળ્યું છે. કચ્છની વાત કરીએ તો કોરોનાના નવા કેસ અને સાજા થતા દર્દીઓના આંકમાં જોવા મળતા ઉતાર-ચડાવના દોર વચ્ચે રાજ્ય-દેશની તુલનાએ જિલ્લાનો રિકવરી રેટ લાંબા સમયથી પાછળ જ ચાલી રહ્યો છે. એક સમયે 90 ટકાને પાર થઇ ગયેલો રિકવરી રેટ હવે થોડો ઘટીને 89.33 ટકાના આંકે પહોંચ્યો છે. રાજ્યના 33 જિલ્લામાં કોરોના રિકવરી રેટના મામલે કચ્છનો ક્રમ 22મો છે. સૌથી વધુ 98 ટકા રિકવરી રેટ સાથે વલસાડ રાજ્યમાં પ્રથમ નંબરે છે. સુરત સહિતના દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓઁ રિકવરી રેટના મામલે આગળ હોવાનુંય આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થતાં આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે. ઓકટોબર માસથી જિલ્લાનો રિકવરી રેટ તબક્કાવાર વધવાનું શરૂ થયું છે. જો કે, દિવાળી બાદ કેસમાં વધારાના શરૂ થયેલા દોરના કારણે સક્રિય કેસ વધતાં રિકવરી રેટમાં ફરી એકવાર ઘટાડાનો પ્રવાહ શરૂ થયો છે. જેના પગલે સાજા થવાનો દર 89 ટકા હોવા છતાં કચ્છની તુલનાએ રાજ્યના 21 જિલ્લાની સ્થિતિ વધુ સારી હોવાનું સ્પષ્ટપણે ફલિત થતું દેખાઇ રહ્યું છે.